અમદાવાદમાં બેફામ કારચાલકનો આતંક: કાબૂ ગુમાવતા સ્વિફ્ટે ઇનોવા અને BMWને મારી ટક્કર, સીસીટીવી વાયરલ
Iskcon Bridge accident
અમદાવાદના પ્રખ્યાત ઇસ્કોન બ્રિજ નજીક મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કાર ચક્કર ખાઈને સર્વિસ રોડ પર જઈ ચડી હતી અને ત્યાં પાર્ક કરેલી ગાડીઓ સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી.
અકસ્માત સર્જનારી સ્વિફ્ટ કાર (GJ38 BC 1018) અમરાઈવાડીના રહીશ હિમાંશુ નામના યુવકની હોવાનું સામે આવ્યું છે, જે તેના મિત્ર પાસેથી કાર લઈને નીકળ્યો હતો. અકસ્માત સમયે ગાડીમાં કુલ છ લોકો સવાર હતા. પૂરઝડપે આવતી કાર અચાનક બેકાબૂ બનતા આ દુર્ઘટના ઘટી હતી, જેનાથી સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
????ઇસ્કોન બ્રિજ પાસે બેફામ કારનો ગમખ્વાર અકસ્માત ????મિત્રની કાર લઈને નીકળેલા ચાલકે ગુમાવ્યો કાબુ ????સર્વિસ રોડ પર પાર્ક કરેલી ત્રણ ગાડીઓનો કચ્ચરઘાણ #IskconBridgeAccident #AhmedabadAccident #SGHighway #BreakingNews #AhmedabadPolice https://t.co/wGfk7ht1Jj
— DD News Gujarati (@DDNewsGujarati) October 5, 2026
સર્વિસ રોડ પર પહોંચેલી સ્વિફ્ટ કારે સૌથી પહેલાં ત્યાં ઊભેલી એક ઇનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇનોવા કાર આગળ ઊભેલી i20 કાર સાથે જાતે જ અથડાઈ ગઈ હતી. ત્યારબાદ સ્વિફ્ટ કાર રિવર્સ થઈને નજીકમાં જ ઊભેલી એક લક્ઝ્યુરિયસ BMW કાર સાથે પણ આડશાઈને અથડાઈ હતી.
BMW કારમાં તે સમયે ચાલક પોતે હાજર હતો. સદ્દનસીબે, ટક્કર અત્યંત જોરદાર હોવા છતાં BMW કારના ચાલક કે સ્વિફ્ટમાં સવાર અન્ય લોકોને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી અને એક મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટક્કરના કારણે ત્રણેય પાર્ક કરેલાં વાહનોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બેફામ ઝડપે આવતી કાર કાબૂ ગુમાવીને એક પછી એક વાહનોને ટક્કર મારતી સ્પષ્ટ દેખાય છે. અકસ્માત સર્જાયા બાદ કારચાલક હિમાંશુએ પોતે જ બેફામ રીતે ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત પણ કરી લીધી છે.
