શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :જામનગર , બુધવાર, 10 એપ્રિલ 2024 (17:05 IST)

જામનગરના જામસાહેબની ક્ષત્રિય સમાજને અપીલઃ પુરૂષોત્તમ રૂપાલાને માફ કરી દો

Jamsaheb of Jamnagar
Jamsaheb of Jamnagar
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા 23 માર્ચના રોજ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીને લઈ એક વિવાદિત ટીપ્પણી કરી હતી. રૂપાલાના આ નિવેદન અંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક પત્ર જાહેર કરી નારાજગી વ્યકત કરી છે. પત્રમાં રાજપૂત સમાજને સંબોધતા કહ્યું છે કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય, પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ. ત્યાર બાદ તેમણે બીજા પત્ર દ્વારા મોદીને જીતાડવા રૂપાલાને માફ કરી દેવાની વાત કરી હતી. 
Jamsaheb of Jamnagar
Jamsaheb of Jamnagar
જામસાહેબે બીજો પત્ર લખીને રૂપાલાને માફ કરવા અપીલ કરી
રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરી હતી. જોકે, આજે ફરીથી તેમણે પત્ર લખીને રુપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની વાત કરી છે.જામનગરના રાજવી જામસાહેબે પત્ર લખીને ક્ષત્રિય સમાજને ક્ષાત્ર ધર્મ યાદ કરાવીને માફ કરી દેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘ક્ષમા વિરસ્ય ભુષણમ ધર્મ’ ને યાદ કરી માફી આપી દેવી જોઇએ. ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.
Jamsaheb of Jamnagar
Jamsaheb of Jamnagar
જામસાહેબે પહેલા પત્રમાં શું લખ્યું હતું?
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ઘટના.આ બારામાં હજુ સુધી કંઈ વધુ પડતું નથી બન્યું એ મારા હિસાબે સારી વાત છે, કારણ કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો જે ગુનો કરે તેને સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે, પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો એની હું ટીકા કરું છું, કારણ કે 'જૌહર'નો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી.હાલમાં ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા, એનું કારણ માત્ર હિંમત નહોતી, પણ સાથે સાથે એકતાનું પણ હતું. એ જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં, પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે, તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે છે, જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.