બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મહેસાણા , બુધવાર, 27 માર્ચ 2024 (14:11 IST)

ઘરવાળી એક ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો મને સલાહ આપે છેઃ નીતિન પટેલ

Nitin Patel
મોઢેરા રોડ પર વિશ્વ ઉમિયા ધામ આયોજિત મા ઉમિયાના દિવ્યરથ પરિભ્રમણને લઈ મહેસાણામાં હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કોઈનું પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, હું મંત્રી અને DYCM હતો ત્યારે મને બધા સલાહ બહુ આપતા હતા.'જેની પત્ની એક ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો આવીને મને સલાહ આપે છે. નવરા પડે એટલે અમને પકડે છે. સલાહ આપવાનો બધાને અધિકાર છે પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ માટે સહેલામાં સહેલું કામ જો કોઈ હોય તો તે સલાહ આપવાનું છે. ઘણા લોકોને સલાહ આપવાનો ખાલી શોખ હોય છે.આ સંસ્થાને અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને કોઈ એક વ્યક્તિએ એવી સલાહ આપી કે, આ મંદિરો વગેરે કરવાની જરૂરી નથી.નીતિન પટેલે પોતાના વિરોધીઓનાં નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કરતા જણાવ્યું કે, સલાહ તો બધા બહુ આપે છે. હું સરકારમા મંત્રી હતો, નાયબ મુખ્યમંત્રી હતો, ધારાસભ્ય હતો, એ વખતે જે આવે તે બધા મને સલાહ આપતા હતા. સલાહ આપવાનો દરેકને અધિકાર છે અમે કોઈ સર્વજ્ઞાની નથી. અમે બધાં જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ અપનારની કેપેસીટી જોવી પડે.વધુમાં કહ્યું કે, કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવાની સલાહ આપે એ બરાબર કહેવાય. કોઈ મોટા ડૉક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોવ અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ એ વાત બરાબર છે. મોટા ઉદ્યોગપતિ હોય અને કહે કે, સરકારે ઉદ્યોગનીતિ આવી કરવી જોઈએ. મહેસાણામાં GIDCને ફાયદો થાય. ઉદ્યોગોને ફાયદો થાય, લોકોની રોજગારી વધે. આવું કરીએ તો ફાયદો થાય. આ પ્રકારના લોકો સલાહ આપે તે આવકાર્ય છે, પણ જે વ્યક્તિ ઘરે ખાટલે બેસીને તેની પત્નીને એમ કહે કે, પાણીનો ગ્લાસ ભરીને આપ. તો પત્ની એમ કહે કે, છાનામાન ઊભા થઈને પી લો, હું બીજું કામ કરી રહી છું. એવા લોકો પણ અમને સલાહ આપવા આવતા હતા. જેના ઘરે એની પત્ની એને પાણીનો ગ્લાસ ન આપે અને જાતે જ ભરીને પીવાનું કહેતી હોય એવા લોકો નવરા પડે અને અમને સલાહ આપે. આવા લોકો જ્યાં સુધી પાંચ-દસ લોકોને સલાહ ન આપે ત્યા સુધી તેઓને ઊંઘ ન આવે.