મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 22 માર્ચ 2020 (12:31 IST)

Janta Curfew-ગુજરાતમાં જનતા કર્ફ્યુંની વ્યાપક અસર, સજ્જડ બંધ પાળતા રસ્તાઓ સુમસામ બન્યા

દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. દિવસે ને દિવસે સતત કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સહિત ગુજરાતમાં સતત આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને પગલે વડાપ્રધાન મોદીએ 22 માર્ચનાં રોજ આજનાં દિવસે જનતા કરફ્યુ રાખવાની અપીલ કરી છે. પરંતુ દરરોજ આંકડાઓ ધીમે-ધીમે વધતા જતા હોવાંને પગલે આજથી જ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે 25 માર્ચ સુધી ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરી દીધેલ છે. રાજ્યભરમાં બજારો ઠપ્પ થઇ ગયા છે. સ્વેચ્છાએ લોકો બંધ પાડી રહ્યા છે જાહેર રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો બિનજરૂરી અવર-જવર ટાળી રહ્યા છે. ભાગ્યે જ કોઈ વાહન જોવા મળી રહ્યાં છે.
 
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આજે કોરોનાને પ્રસરાતો અટકાવવા માટે જનતા કરફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં ચાર શહેરો લોકડાઉન કરવામાં આવ્યાં છે. જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. જો કે ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખવામાં આવશે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો સહિત રેલવે સેવાઓ બંધ રહેશે. ઉપરાંત રાજ્યોની બસ સેવા, ઓટો-ટેક્સી પણ નહીં મળે. તેમજ હોટલોને પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
 
16 લાખ રીક્ષાઓના પૈડા થંભી ગયા 
વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યુની અપીલના પગલે રીક્ષા ચાલકોએ તેમાં જોડાવવું કે કેમ તે અંગે નિર્ણય લેવા માટે રાજ્યના વિવિધ રીક્ષા ચાલકોના એસો.ની તાકીદની મિટીંગ બોલાવવામાં આવી હતી. આ મિટીંગ અંગે રીક્ષા ચાલક એસો.ની મિટીંગ મળી હતી. જેમાં રવિવારે કોરોના વાયરસના પગલે વડાપ્રધાને આપેલા જનતા કરફ્યુના એલાનનું સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
રાજ્યના તમામ મહાનગરો, શહેરો અને ગામડાઓમાં અંદાજે ૧૬ લાખ જેટલા રીક્ષા ચાલકો પોતાનો ધંધો કરે છે. ૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુના પગલે આ તમામ ૧૬ લાખ રીક્ષા ચાલકો પણ પોતાની રીક્ષા બંધ રાખી જનતા કરફ્યુને સમર્થન આપશે. જોકે, આ દિવસ દરમિયાન અનિવાર્ય સ્થિતીમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવા કે અન્ય આકસ્મિક સ્થિતીમાં રીક્ષા ચાલકો મફતમાં સેવા બજાવશે. સાથોસાથ કોરોના વાયરસના પગલે રીક્ષા ચાલકોના ધંધા પર પણ ગંભીર અસર થઈ છે ત્યારે સરકાર દ્વારા રીક્ષા ચાલકો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
 
8000 બસના પૈડા થંભી ગયા
એસ.ટી નિગમે આજે 22 માર્ચે રવિવારે સવારે 7 કલાકથી રાતના 9 કલાક સુધી તેની તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નતા કરફ્યુને લઇને એસ.ટી.નિગમની 8000 બસોનું સંચાલન ખોરવાશે. જેમાં 45 હજાર ટ્રીપો રદ રહેશે. બસમાં રોજના 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. જેમાં અમદાવાદની 670 બસોની 3850 ટ્રીપો રદ રહેશે. જેમાં આશરે 1 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. અમદાવાદ વિભાગમાં સામાન્ય દિવસોમાં 65 લાખની આવક થાય છે. જ્યારે હાલમાં કોરોના વાયરસને પગલે મુસાફરો ઘટી જતા આવકમાં ઘટાડો થયો છે.
 
ટ્રેન સેવા ઠપ્પ
આગામી તા.૨૨ માર્ચને રવિવારના જનતા કર્ફ્યૂને લઇને પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગર, સુરત અને વડોદરા વિભાગની તમામ ૨૦૦થી પણ વધુ ડેમુ, મેમુ અને પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવાનો નિર્ણય હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો હોવાનું અધિકારીઓનું કહેવું છે. ઉપરાંત ૧૨ એક્સપ્રેસ ટ્રેનોને પણ તા.૨૦ થી ૧ એપ્રિલ સુધીના ગાળામાં રદ કરાઇ છે. તા.૨૧ માર્ચને શનિવારે રાતથી જ ટ્રેન સેવા બંધ રહેશે.
 
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, જનતા કર્ફ્યૂ સમયે કુલ ૨૪૦૦ પેસેન્જર ટ્રેન નહીં દોડે. જ્યારે ૧૩૦૦ મેલ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી રેલવે બિનજરૂરી યાત્રા અટકાવવા માટે અગાઉથી ૨૪૫ યાત્રી ટ્રેન રદ્દ કરી ચુક્યું છે. આઇઆરસીટીસીએ કોરોના વાયરસને લઈ સાવચેતીના પગલે મેલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા દરમિયાન ખાવા-પીવાની સુવિધા આગામી નોટિસ મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે.
 
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ સવાર થી જ લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા બજારો સુમસામ ભાસી રહી છે. જોકે જનતા કર્ફ્યૂના દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે. જેથી લોકો દૂધ, શાકભાજી કે પછી અનાજ ખરીદવા નીકળી શકશે. પરંતુ તેના માટે શહેરીજનોને પેનિક થવાની જરૂર નથી. જ્યારે 60 વર્ષથી વધુ વયધરાવતાં વડીલો અને બાળકોને ઘરમાંથી બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે. 
 
આજે જનતા કર્ફ્યૂ બાદ આગામી 25 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર કરાતાં જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજો માટેના બજારો બંધ રખાશે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે.આમ વડોદરા સહિત અમદાવાદ , રાજકોટ , સુરત માં પણ લોકો સવાર થીજ બંધ માં જોડાયા હતા અને પોલીસ તેમજ મીડિયા કર્મીઓ ફરજ ના ભાગરૂપે બહાર ફરતા નજરે પડ્યા હતા.