શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 માર્ચ 2019 (12:47 IST)

કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાનું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા બાદ હવે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભાજપમાં જોડાઈ શકે છે.  કોંગ્રેસની હાલત હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ત્યારે આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાંથી વધુ એક કોંગી MLAએ રાજીનામુ આપી દીધું છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને લેખિતમાં જવાહર ચાવડાએ રાજીનામું સોંપ્યું છે. આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમને પોતાના પત્રમાં કોઇ કારણ દર્શાવ્યું નથી. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, તેઓ કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી શકે છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આજે જ તેઓ ભાજપમાં જોડાઇને મંત્રી પદના શપથ લઇ શકે છે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ ભાજપમાં જોડાઇ શકે  છે.
 
છેલ્લા ત્રણ સપ્તાહમાં કોંગ્રેસની બે વિકેટ ખરી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચી ગયા છે અને તેમને વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવે છે. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જ્ઞાતિ સમિકરણોને જોતા જો ભાજપ તેને જૂનાગઢમાંથી ચૂંટણી લડાવે તો આહિર અને કોળી મતદારોને કારણે  ભાજપ આ બેઠક સરળતાથી મેળવી શકે છે.