શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 27 જુલાઈ 2020 (16:31 IST)

ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં જોડાયા

ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં જોડાયા છે. સુમુલ ડેરીની ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ , ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક અને જિલ્લાના મહામંત્રી સંદીપ દેસાઇની ઉપસ્થિતિ વચ્ચે જયેશ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ખેડૂત અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સી.આર.પાટીલે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ બનવાની સાથે જ ભાજપ સામે પડેલા લોકોને પોતાન તરફ કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે, જયેશ પટેલ ઘણા લાંબા સમયથી ખેડૂતો મુદ્દે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવતા રહ્યા છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં જયેશ દેલાડ ભાજપને નડે તેવી શક્યતા હતી. ભુતકાળમાં સુમુલ ડેરીનાં ચેરમેન, પુરૂષોત્તમ ફાર્મસી જિન સહકારી મંડળીના પ્રમુખ સહિત અનેક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા જયેશ પટેલને ભાજપમાં જોડવા ભાજપના બંન્ને જુથો ગણપત વસાવા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, જિલ્લા ભાજપનાં મહામંત્રી સંદીપ દેસાઇ, મહેશ વસાવા સહિતનાં આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું કે, જયેશ પટેલ ભાજપ સાથે જ હતા અને પશુપાલક સાથે જોડાયેલા અગ્રણીઓએ જયેશભાઇ ભાજપમાં જોડાય તો સારૂ એવો મત દર્શાવ્યો હતો. એટલે આમા ફાયદો કે ગેરફાયદો નથી પરંતુ વધુ સારૂ કામ થાય તે જ હેતુ છે.સુમુલ ડેરીના વિજય માટે આમને લાવવાનું એુવુ કોઇ કારણ નથી કારણ કે સામે કોઇ જ નથી. તેમને જોડાવવાની ઇચ્છા હતી એટલે તેઓ જોડાયા છે.