રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (10:10 IST)

સર્વે જોઇને સુધરી જજો, નહીયર આઇ બન્યું! આ તારીખ બાદ ફક્ત ગુજરાતમાં આવશે દરરોજ 50 હજાર કેસ

જેનો ડર હતો હવે એજ થઇ રહ્યું છે. ધીમે ધીમે કરતાં કોરોનાએ પોતાના સંક્રમણની ગતિ વધારી દીધી છે. ફૂલ સ્પીડે કોરોના પ્રસરી રહ્યો છે. જો આ પ્રકારની સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ઘરે ઘરે કોરોનાના કેસ જોવા મળશે.  IISC અને ISI નામની સંસ્થાના સર્વેમાં ડરાવનારું તારણ સામે આવ્યું છે, તેના અનુસાર 25 જાન્યુઆરી બાદ ફક્ત ગુજરાતમાં દરરોજ 50 હજાર કેસ નોંધાશે. અમદાવાદમાં દરરોજ કોરોનાના 21 હજાર કેસ નોંધાઈ શકે છે. સાયન્ટિફિક મેથેડોલોજીથી આ સંસ્થા દ્વારા મોટા શહેરોમાં દૈનિક કેસનો અંદાજ કાઢવામા આવ્યો છે. 1 માર્ચ સુધીમાં કોરોનાના કેસ ડબલ ડિજિટમાં આવી જવાની શક્યતા છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગ જુદા જુદા રિસર્ચ મોડલ આધારે ફેર સંશોધન કરી રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે. 
 
IISC અને ISIના રિસર્ચરોએ ગુજરાત સરકાર (gujarat government) ના આરોગ્ય વિભાગ સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટને પણ આ રિપોર્ટ આપ્યો છે જેમાં 
દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન (omicron variant) ના કેસો અંગે કરેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, કેસ વધવાની હાલની ગતિ જોતાં 25 જાન્યુઆરી બાદ ગુજરાતમાં દરરોજ 50 હજારથી વધુ અને અમદાવાદમાં 21 હજારથી વધુ કેસ આવી શકે છે. જોકે રાજ્યમાં ટેસ્ટિંગ કેટલા થાય છે તેના ઉપર આ આંકડો નિર્ભર છે. 
 
રાજ્ય સરકારના સિનિયર ડૉક્ટરો પણ આગામી 15 જાન્યુઆરી પછી અમદાવાદમાં 6 હજારથી વધુ કેસ આવવાનો અંદાજ લગાવી રહ્યા છે. સિનિયર ડૉક્ટરોનું કહેવું છે કે, ગુજરાતમાં કોરોના કેસ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. 25થી 30 જાન્યુઆરી દરમિયાન કોરોનાનો પીક જોવા મળશે. એ સમયે મહત્તમ કેસો નોંધાશે અને ત્યારબાદ ધીમે ધીમે કેસોની સંખ્યા ઘટતી જશે. પહેલી માર્ચ સુધીમાં કોરોનાના કેસ બે અંકમાં આવી જશે.
 
કેસ વધતા સરકારે નિયંત્રણો મૂક્યા
આ વચ્ચે ગુજરાતમાં આખરે જેની રાહ જોવાતી હતી તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કેમ કે ગુજરાતમાં 6 જાન્યુઆરીએ 4213 કેસ અને 7 જાન્યુઆરીએ 5396 કેસ નોંધાતા નિયંત્રણો લગાવવામાં આવશે તેવી આશા સેવાઈ રહી હતી. ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નવી કોરોના ગાઈડલાઈનની જાહેરાત કરતાં રાજ્યના 10 શહેરોમાં રાતના 10થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યો છે. તો 31મી જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.  
 
ત્રીજી લહેર વધુ ઘાતક છે સાવચેતી જરૂરી બને છે. રસી લીધી હોય તો પણ સાવધાની જરૂરી છે.  AMA ના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ આ ઘાતક લહેર વિશે કહ્યું કે, બેદરકારીના કારણે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂનો સરકારનો નિર્ણય યોગ્ય છે. રાત્રિ કર્ફ્યૂથી કોરોનાના કેસમાં ઘટાડો થાય છે. લગ્ન પ્રસંગમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ધો. 1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. ત્રીજી લહેરમાં બાળકોને ઘરે જ રાખો. બાળકોને ભીડભાડવાળી જગ્યાએ ના લઈને જાઓ. 
 
સાયન્ટિફિક મેથેડોલોજીના આ અભ્યાસ મુજબ હાલ કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ 3.7 લોકોને સંક્રમિત કરી રહી છે જ્યારે બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટગ્રસ્ત એક વ્યક્તિ 2.1 લોકોને સંક્રમિત કરી શકી હતી. રિપ્રોડક્ટિવ રેટનું પ્રમાણ એક કરતાં નીચે જાય ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ હોવાનું મનાય છે. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ જુદાં જુદાં ત્રણ મોડલ પર સંશોધન કરી રહ્યો છે અને ​​​​​​એનો રિપોર્ટ સરકારને આપવામાં આવશે.