1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (09:58 IST)

ગુજરાતના માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના 2156 શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમ એનાયત

રાજ્યના બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2156 શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે હુકમ એનાયત કરાયા છે. પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અભિનંદન પણ પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે જે મહિને 5 વર્ષ પૂર્ણ થશે ત્યારથી પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે.
 
રાજ્યના બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2156 શિક્ષણ સહાયકો પૈકી પાંચ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રૂપે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, જે મહિનામાં શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થાય કે તૂરંત જ તેમને પૂરા પગારમાં સમાવવામાં આવે છે. 
 
૭૬ શિક્ષક સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થતા પૂરા પગારના હુકમો એનાયત કર્યા
જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે ૭૬ જેટલા બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થતા પૂરા પગારના હુકમો એનાયત કર્યા હતા. આ વેળાએ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન સહિતના અધિકારીશ્રીઓ તેમજ જુદા જુદા શિક્ષક સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. 
 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ - સંલગ્ન કમિશ્નર શાળાઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે "અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને પુરા પગાર આદેશ એનાયત કાર્યક્રમ" વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર  નરેન્દ્રકુમાર મીના અધ્યક્ષસ્થાને ૩૦ શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. 
 
આમ જિલ્લા કક્ષાએ તેમજ બાયડ,ભિલોડા, મેઘરજ,માલપુર એમ તાલુકા કક્ષાએ સંઘના હોદ્દેદારો,નોડલ કન્વીનર,આચાર્યશ્રીઓ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહીને પુરા પગારના આદેશો એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં અરવલ્લી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૦૯ અને ઉચ્ચતર વિભાગમાં ૨૧ શિક્ષકો આમ કુલ મળીને ૩૦ શિક્ષકોને પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા.
 
માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે રાજ્યના યુવાઓને કારકિર્દી માટે રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શિક્ષણ સહાયકોની સમયાનુસાર ભરતી કરવામાં આવે છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિસેમ્બર-2016માં નિમણૂંક પામેલ 2156 શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમના પુરા પગારના હુકમ કરવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પાંચ વર્ષ પૂર્ણ કરનારા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના હુકમો અપાશે.