ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (12:55 IST)

હર હર મહાદેવનાં નાદ સાથે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ

ગિરનાર તળેટીમાં આજે સવારે પરંપરાગત રીતે ભવનાથ મહાદેવ મંદિર ઉપરાંત કાળભૈરવ દાદા, દત ભગવાન તેમજ અન્ય મંદિર ઉપરાંત અખાડા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ થયા બાદ હર હર મહાદેવનાં નાદ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો. અને મેળાના પ્રારંભ સાથે ભવનાથ ક્ષેત્રમાં ભાવિકોને ભોજન માટે અન્નક્ષેત્રો, ઉતારા મંડળો પણ ધમધમતા થઈ ગયા હતાં.
તંત્ર દ્વારા મેળાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હંગામી દવાખાના શરૂ કરાયા છે. જેમાં આઈ.સી.યુ. સહિતની સુવિધા રાખવામાં આવી છે. જયારે પોલીસ તંત્ર દ્વારા ઉભી કરાયેલી રાવટીઓ દ્રારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત એસ.ટી. દ્વારા પણ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી જવા માટેના પિક- અપ પોઈન્ટ શરૂ કરી દેવામાં આવ્યાં છે.

મહાશિવરાત્રીનાં મેળામાં ગુજરાત સહિતનાં રાજયોમાંથી આવેલા સાધુ-સંતોએ પોતાના ધુણા પ્રજવલ્લિત કરી દીધા છે. ત્યારે તંત્રની ધારણા મુજબ પ્રથમ બે દિવસ દરમ્યાન પાંખી હાજરી જોવા મળશે. જયારે અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. શિવરાત્રી મેળો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગણાય છે. ત્યારે રાત પડતા જ વિવિધ આશ્રમોમાં ભજન અને સંતવાણી ગુંજી ઉઠશે