શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (16:01 IST)

Video - જુઓ જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની હોટલમાં કેવી રીતે ઘૂસી ગયો

જૂનાગઢ શહેરમાં રાજકોટ હાઇવે પરની પ્રખ્‍યાત હોટલમાં બે દિવસ પૂર્વે વહેલી સવારે જંગલનો રાજા સિંહ આવી ચડ્યો હતો. હોટલમાં લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હોટલમાંથી સિંહને બહાર નીકળવાનો રસ્‍તો ન મળતાં જે રીતે પ્રવેશ કરેલો એ જ રીતે ફરી હોટલમાંથી બહાર નીકળી ગયાનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. હાલ હોટલમાં સિંહ લટાર મારતાં સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. છેલ્‍લા થોડા દિવસોમાં જ સિંહ જૂનાગઢ શહેરમાં બે વખત આવી ચડ્યાની ઘટનાથી લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી છે. જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવ વસતિના વસવાટવાળા વિસ્‍તારોમાં આવી ચડી જાય છે. તાજેતરમાં સિંહોનું એક ગ્રુપ રાજકોટ શહેરની ભગોળે પહોંચી ગયું હતું. આમ આવી રીતે અનેક વખત સિંહો જંગલ વિસ્‍તાર છોડી માનવ વસતિના વિસ્‍તારોમાં લટાર મારતા હોવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થતાં જોવા મળે છે. દરમિયાન બે દિવસ પૂર્વે 8 ફેબ્રુઆરીએ વહેલી સવારે પાંચેક વાગ્‍યાના અરસામાં જૂનાગઢ શહેરમાંથી પસાર થતા રાજકોટ હાઇવે પર આવેલી હોટલ સરોવર પોર્ટિકોના એન્‍ટ્રી ગેટ પાસે રખાયેલા બેરિકેડ્સને કૂદીને એક સિંહ હોટલમાં ઘૂસી જઇ પાર્કિંગ અને લોબીમાં થોડો સમયે લટાર મારતો હતો, પરંતુ હોટલમાંથી સિંહને બહાર જવાનો રસ્‍તો ન મળતાં જે રીતે પ્રવેશ્યો એ રીતે જ ફરી એન્‍ટ્રી ગેટથી બહાર નીકળી ગયો હતો. સિંહની આવન-જાવન અને લટારની સંપૂર્ણ ઘટના હોટલ સરોવર પોર્ટિકોના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જે દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તો સિંહ શહેરમાં ચડી આવ્‍યાની ઘટનાના વાઇરલ થયેલો વીડિયો પરથી સિંહ શહેરના સરદાર પરામાંથી પ્રવેશી રેલવે કોલોની થઈ હોટલમાં ઘૂસ્યો હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.ચાર દિવસ પૂર્વે જ જૂનાગઢના ગિરનાર સાંનિઘ્‍યે શરૂ થયેલી નેચર સફારીના રિસેપ્‍શન સ્‍થળે વહેલી સવારે સિંહ આવી ચડી લટાર મારતો જોવા મળ્યો હતો. એના એકાદ દિવસ બાદ શહેરના સરદારનગરમાં પણ સિંહએ રાત્રિના સમયે દેખા દીધી હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. ત્‍યાર બાદ 8 ફેબ્રુઆરીના રોજ ફરી જૂનાગઢ શહેરની હોટલમાં સિંહ આવી ચડ્યો હોવાની સામે આવેલી હકીકતથી લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ ઘરબેઠા સિંહ દર્શન થઇ રહ્યાનો લહાવો પણ મળતો હોવાનું લોકો જણાવી રહ્યા છે.