મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 માર્ચ 2020 (11:56 IST)

મધ્ય પ્રદેશ કમલનાથ સરકાર સંકટ : શું જ્યોતિરાદિત્ય સિંધિયા મોટી જાહેરાત કરશે?

મધ્ય પ્રદેશ હોળીના એક દિવસ પહેલાં જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, કમલનાથ સરકારના 20 પ્રધાનોએ તેમના પદ પરથી રાજીનામાં આપી દીધા છે, જેથી કરીને જ્યોતિરાદિત્ય જૂથના ધારાસભ્યોને પ્રધાન બનાવી શકાય.ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ની સાથે વાત કરતા કૉંગ્રેસના નેતા ઉમંગ સિંઘરે કમલનાથના ઘરે પ્રધાનોની બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપી હતી. દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના 17 જેટલા ધારાસભ્યો બેંગલુરુ જતાં રહ્યાં છે.
 
એક વાત સ્પષ્ટ છે કે તેઓ કમલનાથ સરકારથી નારાજ છે અને આગામી પગલાં અંગે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. મુખ્ય મંત્રી કમલનાથે સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે અને તરત ભોપાલ પરત ફરી ગયા છે. બીજી બાજુ, રાહુલ ગાંધીએ પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
 
કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે સિંધિયાને સ્વાઇન ફ્લૂ થયો છે, એટલે તેઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો.
 
બીજી બાજુ, મધ્ય પ્રદેશની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાઈ હતી.
 
વિવાદથી ઇન્કાર
 
એવી અટકળો લગાવાઈ રહી છે કે વિવાદનો ઉકેલ લાવવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા છે. ભોપાલમાં આ બધા વચ્ચે એ સમાચાર પણ આવી રહ્યા છે કે સિંધિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જોકે, કૉંગ્રેસના મીડિયા કન્વિનર નરેન્દ્ર સલુજાએ પક્ષની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવાની વાત કરી છે.
 
ભાજપના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકારને તોડી પાડવામાં ભાજપને કોઈ રસ નથી.  તેમણે કહ્યું, "બધું મીડિયાની ધારણા છે. આ બધા સોશિયલ મીડિયાના સમાચાર છે. હોળીને કારણે બધા રજા પર છે."
 
મુખ્ય મંત્રીનિવાસ પર ચાલી રહેલી બઠેક પર તેમણે કહ્યું, "બજેટસત્ર અને રાજ્યસભાની ચૂંટણી છે એટલે આ બધી વાતો પર ચર્ચા કરવાની છે."
 
તેમણે એવું પણ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા નાદુરસ્ત તબિયતને કારણે નથી આવી રહ્યા પણ જ્યારે તેની જરૂરિયાત હશે ત્યારે તેઓ હાજર રહેશે.
 
પહેલાં પણ ધારાસભ્યો ગુરુગ્રામ જતા રહ્યા હતા
 
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટની સ્થિતિ છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી સર્જાઈ છે. આ પહેલાં કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામ જતા રહ્યા હતા પણ તેમને ભોપાલ પરત લાવવામાં આવ્યા હતા. જોકે, તે બાદ કૉંગ્રેસના ચાર ધારાસભ્યો બેંગલુરુ ચાલ્યા ગયા છે. તેમાંથી બે પરત ફર્યા છે પણ બે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. તમામેતમામ મંત્રી બનવા માગે છે.
 
આ ધારાસભ્યો ગુરુગ્રામ ગયા ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યનો લાંચ આપીને ખરીદવા પ્રયાસ કરી રહ્યો છે. દિગ્વિજય સિંહે આરોપ લગાવતા કહ્યું હતું કે પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ ધારાસભ્યોને 25થી 35 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
 
ગત વર્ષે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષ અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કરતા કહ્યું હતું કે જો તેમના પક્ષના શીર્ષ નેતૃત્વે એક પણ ઇશારો કર્યો તો રાજ્યમાં કૉંગ્રેસની સરકાર 24 કલાક પણ નહીં ટકે. ગત વર્ષે 24 જુલાઈએ ગોપાલ ભાર્ગવે વિધાનસભામાં કહ્યું હતું, "અમારા ઉપરવાળા નંબર એક કે બેનો આદેશ આવ્યો તો 24 કલાક પણ આપની સરકાર નહીં ચાલે."
 
ગોપાલ ભાર્ગવના આ દાવા બાદ વિધાનસભામાં ક્રિમિનલ લૉ પર મતદાન થયુ હતું તેમાં કમલનાથની સરકારના પક્ષમાં 122 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.
 જે 231 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં સાધારણ બહુમતીથી સાત વધારે ધારાસભ્યોનું સમર્થન હતું. એટલું જ નહીં, તેમાં ભાજપના બે ધારાસભ્યોએ પણ સરકારનું સમર્થન કર્યું હતું. હાલમાં રાજ્યની વિધાનસભામાં કુલ 228 ધારાસભ્યો છે અને બે બેઠકો ધારાસભ્યોના નિધનને પગલે ખાલી છે.
 
રાજકીય સમીકરણ અને રાજ્યસભાની ચૂંટણી
 
2018માં મધ્ય પ્રદેશમાં 15 વર્ષ પછી કૉંગ્રેસ સત્તામાં પાછી ફરી હતી. 230 ધારાસભ્યો પૈકી કૉંગ્રેસના 114 અને ભાજપના 107 ધારાસભ્યો છે. બસપાના 2 અને અપક્ષ 4 ધારાસભ્યો છે, જેમનું સમર્થન કૉંગ્રેસને મળતું રહ્યું છે. મધ્ય પ્રદેશમાં સંખ્યાને આધારે 34 મંત્રીઓ બનાવી શકાય છે. અસંતુષ્ટોને મનાવવા માટે હાલના અમુક મંત્રીઓનું રાજીનામું લેવાની વાત પણ ચાલી રહી છે. આ રાજકીય સમજૂતીઓ આગામી જ્યસભાની ચૂંટણીને લઈને કરાઈ રહી છે.
 
રાજ્યસભામાં મધ્ય પ્રદેશની 3 બેઠકો માટેની ચૂંટણી 26 માર્ચે થવાની છે અને આ માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે.
 
સંખ્યાબળની રીતે જોઈએ તો કૉંગ્રેસ અને ભાજપને એક-એક બેઠક સરળતાથી મળી જાય એમ છે. ભાજપે એક બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને એથી મુકાબલો રોમાંચક બન્યો છે. બીજી તરફ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બની રાજ્યસભાની દાવેદારી કરી રહ્યા છે.
 
હવે, રચાઈ રહેલા નવા સમીકરણોમાં સિંધિયા શું માગ કરે છે એ જોવાશે. લોકસભાની ચૂંટણીમાં હાર પછી સિંધિયા એક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. એમના મંત્રીઓ સતત એમને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માગ કરી રહ્યા છે અને મુખ્ય મંત્રી કમલનાથ સતત એમની અવગણના કરી રહ્યા છે.
 
એકંદરે હવે કમલનાથ માટે મધ્ય પ્રદેશમાં મોટી કસોટી ઊભી થઈ છે. તેમણે ફક્ત સરકાર નથી બચાવવાની પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠકો પર પાર્ટીને પણ જીત અપાવવાની છે.