બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 મે 2018 (12:26 IST)

કર્ણાટકમાં હાર થતાં અમિત શાહ વિરોધી છાવણી ગેલમાં, ભાજપના સંગઠનમાં ફેરફારો થવાની શક્યતા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સામે ભાજપે નાકલીટી તાણવી પડી છે. હવે ભાજપ હાઇકમાન્ડે ગુજરાત તરફ નજર ફેરવી છે કેમકે, છેલ્લા કેટલાંય સમયથી ભાજપના સંગઠનના ઠેકાણાં જ નથી.પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નિયુક્તિ થયા ટીમમાં કોઇ ફેરફાર થઇ શક્યા નથી.ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નથી પરિણામે સરકારની કામગીરી લોકો સુધી પહોંચી શકી નથી. આ ઉપરાંત અમિત શાહ- આનંદીબેન પટેલ જૂથો વચ્ચેના રાજકીય ટકરાવને લીધે ભાજપ પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ કોઇ પહેરવા રાજી નથી. ભાજપમાં અંદરખાને નેતા-કાર્યકરોમાં ભારે મતભેદ પ્રવર્તી રહ્યા છે.

કર્ણાટકમાં ભાજપની હાર થતાં અમિત શાહ વિરોધીઓ રાજીના રેડ થયા છે.નારાજ સિનીયર નેતાઓ તો તમાશો નિહાળી રહ્યા છે.જુનિયરોનું કોઇ સાંભળનાર નથી પરિણામે સંગઠનની કામગીરી પર સીધી અસર થઇ છે. ગુજરાતમાં હાલમાં ખેડૂતોથી માંડીને દલિતો,પાટીદારો,ઓબીસી ભાજપથી ભારોભાર નારાજ છે. એકપછી એક આંદોલનો થઇ રહ્યા છે જેના પગલે સરકાર-સંગઠન બંન્નેની મુશ્કેલીઓ વધી છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ પહેરવાથી ભાજપના નેતાઓ જ છુપાઇ રહ્યા છે. દિલ્હીમાં મળેલી બેઠકમાં અમિત શાહે પ્રદેશ પ્રમુખોને નારાજ વિવિધ સમાજ-વર્ગને મનાવી લેવા સુચના આપી હતી. લોકસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં હવે આ બધાયને મનાવવા ભાજપ માટે અધરું બન્યુ છે. આ તરફ,સરકારમાંથી મંત્રીપદ છોડીને સંગઠનમાં આવવા કોઇ રાજી નથી જેથી ભાજપ માટે નવી મુસિબત સર્જાઇ છે. ઘણાં એવા નેતા છેકે,જે વિધાનસભા હારી ચૂક્યા છે તેમને સંગઠનમાં લાવવા વિચારણા થઇ રહી છે.આમ,ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ માટે નવા ચહેરાની શોધખોળ આદરી છે. આગામી દિવસોમાં ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફારોના એંધાણ વર્તાઇ રહ્યા છે.