બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (11:04 IST)

મૃત ખેડૂતના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરી કરોડોની જમીન પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ

અમદાવાદ શહેરના વેજલપુર અને જોધપુર ગામમાં મૃત ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડવા સુવ્યવસ્થિત ષડ્‌યંત્ર રચાયું હતું જેનો પર્દાફાશ થયો છે. વેજલપુરમાં સર્વે નં.૯૮૮ અને જોધપુર ગામમાં સર્વે નંબર-૩૧૫ ની જમીનના મૂળમાલિક ખોડાજી શિવાજી ઠાકોર છે,જેઓ દશ વર્ષથી પહેલા અવસાન પામેલા છે,  અને હાલ હયાત જ નથી, છતાંય મૃત ખેડૂતના ખોટા દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની કરાર બનાવી નવરંગપુરા ચોઈસ રેસ્ટોરન્ટવાળા બળવંતસિંહ શિવુભા રાઓલે જમીન પચાવી પાડવા કાવતરૂ રચ્યું હતું, એટલું જ નહીં, ભદ્ર કોર્ટના નોટરી બી.બી.ગાંધી વર્ષો અગાઉ ગુજરી ગયાં છે તેમ છતાંયે તેમના નામે ખોટા સહી સિક્કા કરી જમીનના ખોટા દસ્તાવેજો બનાવી દીધા હતાં.
 
 નવરંગપુરા ચોઈસ રેસ્ટોરન્ટવાળા બળવંતસિંહ રાઓલે જમીન પેટે રૂ। ૨ કરોડ ૧૧ લાખ આપ્યા હોવાનો બનાવટી કરાર પણ કર્યો છે. જેના પગલે આખાય ષડ્‌યંત્રનો પર્દાફાશ થયો છે.
 
આ બનાવટી દસ્તાવેજોના આધારે નવરંગપુરા ચોઈસ રેસ્ટોરન્ટવાળા બળવંતસિંહ રાઓલે મહેસુલ કચેરીથી માંડીને ગુજરાત હાઇકોર્ટમાં હક-દાવા રજૂ કર્યા હતાં. હકીકતમાં મૃત ખેડૂતની જમીનનાં દસ્તાવેજો અને ટાઇટલ-રેવન્યુ રેકર્ડ માં ચેડાં કરી ગુનો આચર્યો હતો, આટલુ ઓછું હોય તેમ, નવરંગપુરા ચોઈસ રેસ્ટોરન્ટવાળા બળવંતસિંહ રાઓલે મૂળ જમીન માલિકના પરિવારજનોને ધાક ધમકી આપી હતી.
 
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દેવલ એન. મોદી ફરિયાદી વતી સમગ્ર બનાવની વિગતવાર માહીતી આપતા જણાવે છે કે,  આરોપી નવરંગપુરા ચોઈસ રેસ્ટોરન્ટવાળા બળવંતસિંહ રાઓલે  મૃતનોટરીના બનાવટી સહી સિક્કા કરી મહેસુલ વિભાગના અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા.
 
 પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ભૂગર્ભમાં જતો રહ્યો છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટને ગુમરાહ કરી છે. ઊપરી પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી, તથા ઈન્કમટેક્સ વિભાગે પણ આ બાબતે નોંધ લીધી છે, અને ઈન્કમટેક્સ વિભાગ હરકતમાં આવેલ છે.
 
આ મામલે મૃત ખેડૂતના વારસદાર હિરાબેન રમેશજી બચુજીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે, અરજદારે પોલીસ મથકમાં જમીનના મૂળ દસ્તાવેજો પણ રજૂ કર્યા છે જેથી પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી છે.  સરકારના રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજોમાં ચેડાં કરી મૃત ખેડૂતની જમીન પચાવી પાડવાના મુદ્દે ગંભીર નોંધ લીધી છે.
 
 આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશને ફસ્ટ ગુના રજી.  નં. ૧૦૦/૧૯ થી ઈ. પી. કો.  કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૬(૨) વિગેરે હેઠળ ગુનો નોંધી,  આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.