ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (16:18 IST)

300 કરતાં વધુ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઇ, 2 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ચોર ગેંગની ધરપકડ કરી છે જેને રાજકોટ સહિત ગુજરાતમાં કારના કાચ તોડીને મ્યુઝીક સિસ્ટમ સહિતની વસ્તુઓની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 300 કરતા વધુ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. 
 
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અહેમદ ઉર્ફે લદન ખાન, મીનાઝ અહેમદ હુનેરકર અને જમીલ મહમદ કુરેશી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો મહારાષ્ટ્રની કારના કાચ તોડી અને ચોરીને અંજામ આપતી ગેંગના સાગરિતો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી કારનાં કાચ તોડીને મ્યુઝીક સિસ્ટમની ચોરીનાં બનાવોમાં વધારો થયો હતો. જેને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 
 
પોલીસે સીસીટીવી તપાસતા મુંબઇ પાર્સિંગની કારમાં આવેલા કેટલાક શખ્સો મોંધી અને ઘરની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતા કેદ થયા હતા. જેને આધારે પોલીસે તપાસ કરતા આરોપીઓ મુંબઇના વસઇ, મહારાષ્ટ્રનાં થાણે જીલ્લાનાં મુંબ્રા અને નવી મુંબઇનાં પનવેલ તાલુકામાં રહેતા હોવાના લોકેશન મળ્યા હતા. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસે થી બે કાર, ચોરી કરવાના સાધનો સહિતનો મળી કુલ મુદ્દામાલ 2 લાખનો કબજે કર્યો હતો.
કેવી રીતે આપતા ચોરીને અંજામ
 
પોલીસના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રની આ ચોર ગેંગ રાતના 2 થી સવારે 6 વાગ્યાનાં સમયગાળા દરમિયાન ચોરીને અંજામ આપતી હતી. જેમાં આરોપીઓ કારમાં મુંબઇ થી ગુજરાત આવતા હતા અને નક્કી કરેલા શહેરમાં રાત્રીનાં પાર્ક કરેલી કારને નિશાનો બનાવતા હતા. કારનાં કાચમાં ડિસમીસ મારી કાચ તોડી નાખતા હતા અને ત્યારબાદ મોંધી મ્યુઝીક સિસ્ટમ અને કારમાં રહેલા લેપટોપ જેવી કિમતી વસ્તુઓની ચોરી કરતા હતા. ત્યારબાદ આરોપીઓ મુંબઇ જવા રવાનાં થઇ જતા હતા. મુંબઇની ચોર બજારમાં આરોપીઓ ચોરીનો માલ વેચી દેતા હોવાથી પોલીસને હાથ કાંઇ જ લાગતું નથી. પોલીસ તપાસમાં આરોપી વર્ષ 2008માં મહારાષ્ટ્ર પોલીસનાં હાથે લાગ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ થી સક્રિય થયા હતા. જેમાં તેમને 34 જેટલા નોંધાયેલા અને 300 કરતા વધુ ચોરીને અંજામ આપી હોવાની કબુલાત આપી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
 
પોલીસે આ ગેંગના સાગરીતોની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતુ આ ગેંગમાં અન્ય કેટલા સાગ્રીતો સામેલ છે તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ ગેંગનાં સાગરીતોએ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. જેને આધારે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.