સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (11:56 IST)

સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, ઝાડ પર દોરી વડે મરઘીને બાંધી સિંહને લલચાવાયો

ગેરકાયદે લાયન શોનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો જોતાં જ લાગી રહ્યું છે કે આ વીડિયો ઉતારનારે ગીરની ઓળખ સમા વન્યજીવની પજવણી કરવામાં તમામ હદો વટાવી દીધી છે. આ વીડિયો કથિત રીતે બાબરીયા રેન્જનો હોવાનું માનવામાં આવે છે.આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મરઘીને એક દોરી બાંધી ઝાડ પર ઊંધી લટકાવી દેવામાં આવે છે.
આ દરમિયાન જેવી સિંહણ મારણની નજીક આવે એટલે દોરી ઉપર ખેંચી લેવામાં આવે છે. આ પછી ફરી સિંહણ દૂર જતી રહે છે અને દોરી ઢીલી છોડતાં મરઘી ફરી જમીન પર આવી જાય છે. આ રીતે વન્યજીવની વિકૃત પજવણી કરીને આનંદ લઈ રહ્યાં છે.વાઈલ્ડલાઈફ ફોરેસ્ટ ચીફ કન્ઝર્વેટર ડીટી વસાવડાના જણાવ્યાનુસાર આ વીડિયો જે હાલમાં વાઈરલ થયો છે. જેમાં મરઘી બાંધીને સિંહણની પજવણી કરતાં જોવા મળે છે. આ વીડિયો તે જ વ્યક્તિઓએ ઉતાર્યો હોવાનું જણાય છે જેમણે મે મહિનામાં સિંહણનો ગેરકાયદેસર લાયન શો કરાવ્યો હતો.નોંધનીય છે કે ગીર સોમનાથમાં આવેલા સાસણમાં સિંહ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. જોકે, ચોમાસા દરમિયાન થોડા સમય માટે સિંહ દર્શન પર પ્રતિબંધ મૂકાય છે. આ દરમિયાન નજીવા રુપિયા કમાવાની લાલચમાં ગીરની ઓળખ અને ગુજરાતની શાન સમા સિંહના ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા માટે અમુક લોકો વન્યપ્રાણીઓનો જીવ પણ જોખમમાં મૂકતાં અચકાતાં નથી. આ પહેલા પણ સિંહને હેરાન કરવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.