સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 જૂન 2018 (12:57 IST)

અમદાવાદમાં પાણીના પાઉચ, ચા-કોફીના પ્લાસ્ટિક કપ, પાન-મસાલાના રેપર્સ પર પ્રતિબંધ

મ્યુનિ. હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં 'વિશ્વ પર્યાવરણ દિન'ના સંદર્ભમાં અમદાવાદમાં ચા-કોફીની લારીઓ પર વપરાતા પ્લાસ્ટીકના કપ, પાણીના પાઉચ અને પાન-મસાલા મસળવા તેમજ પેકીંગ માટે વપરાતા પ્લાસ્ટિકના ટુકડાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બાબતે ઉત્પાદક, વિતરક અને વપરાશ કરતા એકમો અને દુકાનદારો સામે કડક પગલાં લેવાનું નક્કી થયું છે. આ અંગે વિગતો આપતા મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ધંધાકીય એકમો સામે 'સીલ' કરી દેવા સુધીના કડક પગલાં લેવાશે. લારી, ગલ્લાં, દુકાનો પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાની સૂચના આપતા બોર્ડ મુકવામાં આવશે. શાકભાજી અને ફ્રુટસ માર્કેટ હોય ત્યાં ઝભલાના બદલે કાગળ કે કાપડની થેલી વાપરવા માટે સમજાવવામાં આવશે, જનજાગૃતિ કેળવવામાં આવશે. પ્લાસ્ટિક બોટલસનો કચરો ઉઘરાવવા વેનડીંગ મશીનો મુકાશે જે ૧૬ થી ૫૦ પૈસા સુધીનું કેશ બેક કે ડિસ્કાઉન્ટ કુપન ભેટ આપશે. ઉપરાંત પાતળા પ્લાસ્ટિકનો રિયુઝ કે રિસાયકલ થતા ના હોવાથી લોકો તેને ફેંકી દે છે, જે ગટર પર ચોટી જતાં ચોમાસામાં પાણી ભરાય છે. આવી થેલીઓમાં ભરીને ફેંકાયેલો રસોડાનો કચરો ખાવાથી ગાય-ભેંસ જેવા પ્રાણીઓ બિમાર પડે છે. તેમજ મ્યુનિ. દ્વારા 'માગ પ્રમાણે વૃક્ષના છોડ'ની મોબાઇલ એપ વિકસાવવામાં આવશે. તા. ૫મી પછી સારો વરસાદ પડયા બાદ જ્યાંથી ડિમાન્ડ આવી હશે ત્યાં જઇને મ્યુનિ.નો સ્ટાફ તેમના પસંદગીના વૃક્ષો વાવશે. બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર વર્ટિકલ ગાર્ડન બનાવાશે. મેટ્રોના રૃટમાં વધુમાં વધુ વૃક્ષ ઉછેરવામાં આવશે. ૧૫ જેટલા પ્લોટોમાં અર્બન જંગલની જેમ વૃક્ષો ઉછેરવાનું નક્કી થયું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે મુકેલી યોજનાઓ કેટલી સફળ થાય છે, તે જોવાનું રહે છે. બાકી મ્યુનિ. દ્વારા વિકાસના નામે મોટા પ્રમાણમાં લીલાછમ વૃક્ષોનું નિકંદન કઢાય છે, નદી જેવા જળસ્ત્રોતોમાં મોટા પ્રમાણમાં ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી છોડાય છે, તળાવોમાં વરસાદી પાણીના બદલે ગટરનું પાણી ભરાય છે, પર્કોલેટીંગ વેલની કયાંય સફાઇ કે જાળવણી થતી નથી. આ મુદ્દાઓનો જ અસરકારક ઉપાય શોધાય તો પણ પર્યાવરણની જાળવણીની દિશામાં મોટી સેવા કરી ગણાશે. બીજી તરફ ૪૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક ઉપર તો ૨૦૧૧-૧૨ થી પ્રતિબંધ છે જ પણ હેલ્થ ખાતું સક્રિય નહોતું તેમ કહી શકાય. ઝુંબેશ ચલાવે, સીલ મારે અને પછી હપ્તાનો ઇન્ડેક્ષ ઉંચો જતા બંધ થઈ જાય તે રમત દર વર્ષે ચાલે છે. ઉત્પાદન કેન્દ્રો, જીઆઈડીસીમાં આવેલા મોટા એકમો સામે પગલાં લેવાના બદલે શાકભાજીની લારી અને પાનના ગલ્લે જ કેમ પગલાં લેવાય છે, તે પ્રશ્ન છે.