શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 માર્ચ 2018 (13:43 IST)

શરાબના શોખીનોને કોનું પ્રોત્સાહન? ગુજરાતની ફાઇવસ્ટાર હોટેલોમાં ૨૭.૫૯ કરોડનો શરાબ વેચાયો

ગાંધીના ગુજરાતમાં પ્રવાસનના બહાને સરકાર ખુદ જાણે દારૃના શોખિનોને પ્રોત્સાહન પુરુ પાડી રહી છે. એટલું જ નહીં, એક તરફ,દારૃના પરમીટધારકોની સંખ્યા વધી રહી છે તો,બીજી તરફ,સરકાર પણ સ્ટાર હોટલો-રિસોર્ટોને દારૃ વેચવાના પરવાનાની જાણે લ્હાણી કરી રહી છે. આ કારણોસર રાજ્યની સ્ટાર હોટલો-રિસોર્ટમાં દિનપ્રતિદીન વિદેશી દારૃ-બિયરનુ વેચાણ વધી રહ્યુ છે. છેલ્લા બે વર્ષમાં આ સ્ટાર હોટલોમાં રૃા.૨૭.૫૯ કરોડનો વિદેશી દારૃ-બિયર વેચાયો છે. ગુજરાતમાં આવતા ટુરિસ્ટોને દારૃ મળી રહે તે માટે તો ટુરિસ્ટ પરમીટ આપવાની સરકારે સુવિધા કરી છે પણ સ્થાનિક ગુજરાતીઓ ય હવે દારુની પરમીટ માંગી રહ્યાં છે.

પરમીટ માંગનારાની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૫માં ૧૯૨૨ જણાંએ દારૃની પરમીટ મેળવી હતી જયારે વર્ષ ૨૦૧૭માં દારૃની નવી પરમીટ મેળવનારાંની સંખ્યા વધીને ૩૯૯૮ થઇ છે. વર્ષ ૨૦૧૫માં ૧૦૭૨૩ જણાંએ દારૃની પરમીટ રિન્યુ કરાવી હતી જયારે વર્ષ ૨૦૧૭માં ૧૧,૪૦૩ જણાંએ પરમીટો રિન્યુ કરાવી હતી. વર્ષ ૨૦૧૫માં પરમીટધારકોની સંખ્યા ૧૨૬૪૫ હતી તે વધીને વર્ષ ૨૦૧૭માં ૧૫,૪૦૧ થઇ છે. આમ,બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં ૨૭૫૬નો વધારો થયો છે. દારૃના મામલે ભાજપ સરકારની નીતિ બેધારી રહી છે. એક તરફ,દારૃના દૂષણથી ગુજરાતને મુક્ત બનાવવાના નામે કરોડો રુપિયાનું આંધણ કરીને ધૂમ પ્રચાર કરી રહી છે.ગુજરાતમાં દારૃબંધીનો કાયદાને વધુ કડક બનાવવાના દેખાડા કરે છે.બીજી તરફ, આ જ ભાજપ સરકાર સ્ટાર હોટલો-રિસોર્ટને દારુના પરવાનાની લ્હાણી કરી રહી છે. આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, અમદાવાદ - સુરત જેવી મેટ્રોસિટી કરતાં ય ભરુચ અને આણંદની હોટલ-રિસોર્ટમાં વધુ વિદેશી દારૃ અને બિયર વેચાયો છે.કચ્છ નહી દેખા તો,કુછ નહી દેખા તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે રણવિસ્તાર કચ્છની સ્ટાર હોટલ-રિસોર્ટમાં ય બે વર્ષમાં અઢી કરોડનો દારુ-બિયર વેચાયો છે. ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં આ વાતનો સ્વિકાર કર્યો છે. આમ,ગુજરાતમાં સરકારની ઢીલી નીતિને પગલે આજે યુવા પેઢી દારૃના દૂષણનો શિકાર બની રહી છ.દારૃબંધીના મામલે સરકારની બેધારી નીતિ હવે ખુલ્લી પડી રહી છે.