મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2020 (14:20 IST)

એક તરફ લોકડાઉન બીજી તરફ કમોસમી વરસાદ, જગતનો તાત બાપડો બિચારો જ રહેવાનો?

ગોંડલ પંથકમાં રવિવારે બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ગ્રામ્ય પંથકમાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતું. તેમજ ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું હતું. ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઘઉં, મગફળી અને ધાણાના પાક પર પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ અંગે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગણી પણ કરી છે. આજે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગોંડલ તાલુકાના ખેડુતોને પણ આ લોકડાઉન નડ્યું છે, આમ તો રાજ્ય સરકારે ખેતી કરતા લોકો માટે છૂટછાટ જાહેર કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે અપૂરતી જંતુનાશક દવાઓ તેમજ ખાતર વગેરે ન મળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાક વિસ્તારમાં કુદરતી વાતાવરણ પણ અનુકુળ ન આવવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ છે. પ્રતિ વર્ષે ગોંડલ તાલુકા વિસ્તારમાં ઉનાળામાં મગફળી, તલ, મગ, અડદ, શાકભાજી વગેરે જેવા અનેક પાકોનું મબલક ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં લોકડાઉનના પગલે પાક નહીંવત કે સાવ નિષ્ફળ જેવો ગયો છે. પ્રતી વર્ષે 4થી 5 ફુટ જેટલું કદ ધરાવતી તલ આ વર્ષે માંડ અડધો કે એક ફૂટ થઈ છે. આમ ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક ખેડૂતોને થોડો જાજો પાક થશે તો પણ લોકડાઉનના પગલે વહેંચી નહી શકાય કે પૂરતી કિંમત નહીં મળે. આમ સમગ્ર તાલુકામાં જોવા જઈએ તો લોકડાઉનના પગલે ખેડૂતો પર માઠી બેઠી છે. તેમજ કુદરત પણ લોકડાઉનનું પાલન કરતો હોય તેમ વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે પાક નબળા ગયા છે.