શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2020 (08:43 IST)

લોકડાઉનમાં બે વખત વાહન પકડાશે તો ખેર નહીં,ડીજીપીની આકરા શબ્દોમાં આપી ચેતવણી

રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે. આ સિવાય તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે લોકોની બિનજરૂરી અવરજવર ચલાવી લેવાશે નહીં. ઝાએ જણાવ્યું કે કંટેનમેન્ટ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવાશે. શિવાનંદ ઝાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન બે વખત વાહન પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે 10 હજારથી વધારે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન કોઈ પણ પ્રકારના પેસેન્જર વાહનોને કોઈ મુક્તિ આપવામાં આવી નથી. આ સિવાય તેમણે કહ્યું કે લોકડાઉનમાં બોટાદમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝાએ જણાવ્યું કે આ શખ્સ દૂધ વિતરણ માટે અપાયેલા પાસનો દુરઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે સોસાયટીમાં સીસીટીવીના આધારે ગઈકાલે 34 નવા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. સીસીટીવીના આધારે અત્યાર સુધી કુલ 504 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી કુલ 1,691 ગુનાઓ દાખલ થયા છે. ઉપરાંત, ડ્રોનના ફૂટેજના આધારે 8 હજાર 910 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અફવા ફેલાવવાના કિસ્સામાં કુલ 479 ગુનાઓ દાખલ થયા છે.