રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 21 માર્ચ 2023 (14:13 IST)

વિધાનસભામાં મહાઠગ કિરણ પટેલનું નામ ઉછળ્યુ, કોંગ્રેસે કહ્યું ડબલ એન્જિનની સરકારમાં IB નિષ્ફળ

gujarat assembly
ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છેઃ શૈલેષ પરમાર
 
ભાજપના MLA ઉદય કાનગડે કહ્યું કોંગ્રેસના રાજમાં મંત્રીની હત્યાઓ થતી, તરત જિજ્ઞેશ મેવાણીએ કોમેટ કરી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી
 
ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. નકલી પીએમઓ અધિકારીએ તરીકે ચર્ચામાં આવેલા ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગઢ બચાવની ભૂમિકામાં આવી ગયાં હતાં. કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હોવાના આક્ષેપ વચ્ચે જ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તરત કોમેટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, લતીફ જેવા અસામાજીક તત્વો કોના સગા હતા તે વાત સૌ કોઈ જાણે જ છે. 
 
ગૃહ વિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લેતો નકલી પીએસઆઈ મળી આવે છે. ગુજરાતમાં IAS અને IPSની જાસૂસી થાય છે. પેપર લીક થાય છે. સરકારી પાયલટ વિમાનનો દુરૂપયોગ કરે છે. આ સ્થિતિ જ બતાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. જેમ ડબલ એન્જીનની સરકાર છે. તેમ ગૃહ વિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે. ગૃહ વિભાગના પ્રથમ એન્જીન એટલે બાતમીદાર અને બીજું એન્જીન એટલે વહીવટદાર. ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે.
 
શૈલેષ પરમારે કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો
તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલને Z+ સિક્યુરિટી આપવાનો મુદ્દો હાલમાં ચર્ચાએ ચડ્યો છે.  ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, ડબલ એન્જીનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ જેવી ઘટના બનવી એ અત્યંત શરમજનક છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં નોકરી કરતાં હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે તેમ છતાં રાજ્યની આઈ.બી. કંઈ જ કરી શકી નથી.