પોલ ખોલ ચેનલના એડિટર આશિષ કંજારિયા સામે ચાર સ્કૂલોના સંચાલકોએ પોલીસ ફરિયાદ કરી
પોલખોલના તોડબાજ એડિટરે 16 સ્કૂલ અને બે ઔદ્યોગિક એકમ પાસેથી 76 લાખ ખંખેર્યા હતા
આશિષ કંજારિયાએ 2 ટ્રાવેલ કંપનીને પણ નિશાન બનાવી રૂપિયા પડાવ્યા હતા
ખાનગી ટીવીના એડિટર આશિષ કંજારીયા વિરુદ્ધ મણિનગરની પ્રાઈવેટ સ્કૂલના સંચાલક પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માગવા બાબતે ફરિયાદ કરાઈ હતી. ત્યાર બાદ તેની સામે વધુ ત્રણ સ્કૂલોના સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે. પોલખોલ ટીવી યુટ્યુબ ચેનલનો એડિટર, વાલી મંડળનો પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વોટ્સએપ મારફતે પોલ ખોલી ટીવી યુટ્યુબ ચેનલના વીડિયો, અગાઉ કરેલી આર.ટી.આઈ. અરજીઓ તથા મેસેજ મોકલી સ્કૂલના ટ્રસ્ટીઓને ધમકાવી સ્કૂલ ચલાવવી હોય તો પૈસા આપો કહી ખંડણી માંગતો અને ના પાડે તો ધમકી આપતી પૈસા પડાવતો હતો. હવે તેની સામે વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ છે.
સંત કબિર સ્કૂલ પાસે ખંડણી માંગી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંગે ક્રાઈમ બ્રાંચમાં આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શહેરની જાણિતી ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે. મનન ચોકસીને સ્કૂલમાં એડમિશન કરી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમણે આ પ્રકારે એડમીશનની ના પાડતાં જ આશિષ તેમની સામે ખોટી અરજી અને આરટીઆઈ કરતો હતો. તે સ્કૂલમાં આવીને કહેતો હતો કે તમારી સ્કૂલ વિરૂદ્ધમાં ખોટા પુરાવા ઊભા કરીને ફસાવી દઈશ અને જામીન પણ નહીં મળે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ. તે ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સંત કબીર સ્કૂલ પાસે પણ આશિષ કનજારિયાએ ખંડણી માગી હતી.
ધમકી આપીને વાર્ષિક રૂ.50 હજારની માંગણી કરી
બીજી તરફ સેટેલાઈટ શ્યામલ રો હાઉસમાં રહેતા શશીબહેન ભટ્ટ બોપલ અને સાણંદમાં શ્રી રામ વિદ્યાલય ધરાવે છે. 2017 માં આશિષ તેમને મળવા ગયો હતો અને પોતે વાલી મંડળનો પ્રમુખ, આરટીઆઈ એકટીવીસ્ટ અને પોલખોલ યુ ટ્યૂબ ચેનલના તંત્રી તરીકે ઓળખાણ આપી સ્કૂલની કેટલીક માહિતી માંગી હતી. જે નહીં આપતા સ્કૂલમાં આંદોલનની ધમકી આપીને વાર્ષિક રૂ.50 હજારની માંગણી કરી હતી. તેમણે પણ આશિષ સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં આશિષ સામે કુલ ચાર ફરિયાદો નોંધાઈ છે. આશિષે ઘણી સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આશિષ વિરુદ્ધ હજુ અન્ય કેટલીક ફરિયાદો દાખલ થઇ શકે છે. જેના માટે પોલીસ સામેથી પણ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરી રહી છે.