બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (12:04 IST)

કેરી રસિકો જાણી લો ખાવાલાયક કેરી બજારમાં એક મહિનો મોડી આવશે

ઉનાળો આવતાની સાથે કેરી રસિકો કેરીની ચાતક પક્ષીની જેમ  રાહ જોતા હોય છે. અત્યારે સ્થાનિક બજારમાં કેરીનું આગમન તો થઈ ચૂક્યું છે પરંતુ ખાવાલાયક કેરી આવતા હજી એક મહિનો રાહ જોવી પડશે.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં વિસ્તારોમાં સૌથી વધુ કેરીનો પાક થાય છે અને આ વિસ્તારની કેરીઓ દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. 
પરંતુ હજી સુધી બજારમાં ખાવાલાયક કેરીનું આગમન થયું નથી.આ વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી જેને કારણે આંબા પર આવેલા મોરને નુકસાન થયું હતું. જેને કારણે આંબા પર બીજી વખત જ્યારે મોર આવ્યા ત્યાર બાદ કેરીનો પાક સફળ થયો હતો. એટલે કે, કેરી તેના નિયત સમય કરતાં એકાદ મહિનો મોડી પાકી હતી. જેથી બજારમાં આવતા પણ એકાદ મહિનાનો સમય લાગી શકે છે.
અતિવૃષ્ટિને કારણે ચોમાસુ તેના નિયત સમય કરતા વધુ સમય ચાલ્યો જેથી જમીનમાં ભિનાશ જોવા મળી. તો બીજી તરફ શિયાળો મોડો આવ્યો. ઋતુનાં પરિવર્તનને કારણે કેરીનાં પાકને જે સૂકું વાતાવરણ જોઈતું હતું તે મળવામાં પણ વાર લાગી. જેને કારણે કેરીનો પાક થોડા દિવસ મોળો આવ્યો એટલા માટે જ બજારમાં પણ ખાવાલાયક કેરી એક મહિના જેટલો સમય લાગી શકે છે. ફક્ત સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ સૌરાષ્ટ્રની કેરી વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. ખાસ કરીને કેસર કેરીની માંગ દરેક જગ્યા પર સૌથી વધુ જોવા મળે છે. ત્યારે કેરી રસિકો બજારમાં કેરીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.