મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (11:51 IST)

નિત્યાનંદ આશ્રમની લાપતા બંને યુવતીઓના સરનામાં આપોઃ ગુજરાત હાઈકોર્ટ

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીને શોધવા તેના પિતાએ કરેલી હેબિયસ કોર્પસના 105 દિવસ પછી પણ યુવતીઓના વકીલે સચોટ માહિતી રજૂ નહીં કરતાં કોર્ટે ઝાટકણી કાઢી હતી. બન્ને યુવતીઓને પક્ષકાર બનાવીને એમ્બેસી દ્વારા નોટિસ પાઠવવા અને બન્ને હાલ ક્યાં રહે છે? તેની પૂરી વિગતો સાથેનું સરનામું રજૂ કરવા આદેશ કર્યો છે. જનાર્દન શર્માએ તેમની બન્ને દીકરીઓને શોધવા હેબિયસ કોર્પસ કરી છે તેમના વતી એડવોકેટ પ્રીતેશ શાહે એવી દલીલ કરી હતી કે, લગભગ 4 મહિનાથી બન્ને યુવતીઓ આશ્રમમાંથી ગુમ થઇ છે પરતું આજદિન સુધી પોલીસ તેમને શોધી શકી નથી. હાઇકોર્ટનો અનેક વખત આદેશ છતાં ધરાર બન્ને યુવતીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતી નથી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, અત્યાર સુધી બન્ને યુવતીઓને કેમ પક્ષકાર બનાવી નથી? તેની સામે પિતા તરફથી એવી દલીલ કરાઇ હતી કે બન્ને યુવતી ક્યાં રહે છે? તેની જાણ જ નથી તો નોટિસ કેવી રીતે મોકલી શકાય? બન્નેનું કાયમી સરનામું મળે તો પક્ષકાર બનાવી શકાય. કોર્ટે યુવતીના વકીલ પાસેથી યુવતીઓ ક્યાં રહે છે? તેની વિગતો માગી હતી. કેસની વધુ સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે. ગુમ થયેલી યુવતી ક્યાં છે? તે અંગે તેમના વકીલે એવી દલીલ કરી હતી કે જમૈકામાં રહે છે. કોર્ટે કહ્યું કે એવી અધૂરી વિગતો નહીં ચાલે તેમના સરનામાની પૂરતી વિગતો રજૂ કરો. જમૈકાના એમ્બેસી દ્વારા બન્ને યુવતીઓને નોટિસ પાઠવવામાં આવશે.