શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (14:30 IST)

ગુજરાતમાં વધેલી ગુનાખોરી મુદ્દે વિધાનસભામાં પડઘા પડ્યાં, જાણો ગુનાખોરીના આંકડાઓ

ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી ગુનાખોરીનો પડઘો આજે વિધાનસભામાં પડ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ભીંસમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2034 હત્યા, 2720 બળાત્કાર, 5897 અપહરણ, 3305 રાયોટિંગ, 14702 આત્મહત્યા, 29298 આકસ્મિક મૃત્યુ, 440081 અપમૃત્યુના કેસ નોંધાયા છે. આ તમામ બનાવો મળીને કુલ 88081 નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. આમ રાજ્યમાં દરરોજ 120 કરતા વધુ નાગરિકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે મૃત્યુ પામે છે. રાજ્યમાં બે વર્ષમાં 14702 આત્મહત્યાના બનાવો નોંધાયા છે એટલે કે, દરરોજ 20 નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. જ્યારે 2034 હત્યાના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 2થી 3 હત્યાઓ થઈ રહી છે, તેમજ 2720 બળાત્કારના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 3-4 રેપના બનાવો બની રહ્યાં છે. રાયોટિંગની વાત કરીએ તો બે વર્ષમાં 3305 રાયોટિંગના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 4-5 રાયોટિંગના કેસ નોંધાયા છે.