1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 16 માર્ચ 2023 (21:41 IST)

માર્ચથી મે મહિના દરમિયાન: રાજ્યમાં હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે બેઠક યોજાઈ

sun heat
રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે દુષ્કાળ અને વરસાદ સહિતની અન્ય કુદરતી આફતોની જેમ ભારત સરકાર દ્વારા હીટવેવને પણ ગંભીરતાથી લઈ, આગોતરા આયોજનનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યસ્તરે પણ હીટવેવ સંદર્ભે આવશ્યક પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે.
 
જેના અનુસંધાને હર્ષદ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ કુદરતી આપદાઓ માટે રાજ્યકક્ષાએ ૨૪ કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત છે તેમજ આ અંગે વખતોવખત જરૂરી માહિતી અને સૂચનાઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે માર્ચથી મે સુધીના ત્રણ માસ દરમિયાન હીટવેવથી બચવા શું કરવું? અને શું ન કરવું? એ અંગે સમજણ આપવામાં આવી હતી.
 
તદુપરાંત, રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો દ્વારા આગોતરા આયોજન અંગે માહિતી આપતા રાહત કમિશનરશ્રીએ જણાવ્યું કે સંભવિત હીટવેવના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ પ્રોટોકોલ તરીકે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે, ઊર્જાવિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો ચાલુ રહે, પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરમીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવા, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવી, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.
 
આ સિવાય, અન્ય વિભાગો દ્વારા પણ આવશ્યક પગલાં લેવાય તેમજ વિવિધ સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની તેમજ ખુલ્લામાં ન ઊભા રહેવું પડે એ માટે છાંયડાની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી હતી. બેઠકના પ્રારંભે હવામાન વિભાગના વડા સુશ્રી મનોરમા મોહંતી દ્વારા માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવની મહત્તમ શક્યતાઓ અને અસરો અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાનને હીટવેવની અસર ગણવામાં આવે છે તેમજ તાપમાન 47 ડિગ્રીથી વધે, ત્યારે તેની ગંભીરતા ઓર વધી જાય છે.
 
આ અંગે બેઠકમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લાઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી આવશ્યક સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલ, હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહન્તી, વિવિધ વિભાગના રાજ્યકક્ષાના નોડલ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.