શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (12:59 IST)

વિદેશના કુંવર સાથે પરણવાની ઈચ્છા હોય તો ચેતી જજો, સુરતના વરાછામાં વિધવાએ 12 લાખ ગુમાવ્યા

fraud cartoon
સુરતના નાના વરાછામાં રહેતી 56 વર્ષીય વિધવાએ સોશિયલ મીડિયા થકી લંડન રહેતા યુવકની સાથે લગ્ન કરવાના ચક્કરમાં 12.15 લાખની રોકડ અને દાગીના ગુમાવ્યા છે. ગઠિયાએ લંડન રહેતો હોવાની અને નામ આશીષ હોવાનું કહી વિધવા સાથે છેતરપિંડી કરી હતી.

તેણે વિધવાને કહ્યું કે તમે વિધવા છો અને હું એકલો છું, તો આપણે જીવનસાથી બની જઈએ.બોલો શું વિચાર છે? મારી રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન-ફાર્મ છે. હું તમને લંડન લઈ જઈશ. ગઠીયાએ વિધવાનો પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરાવી હોવાનું કહી ‘રાજકોટમાં મારી જમીનનું કામ કરતા મહેશ ગોસ્વામીને આંગડિયામાં રૂપિયા મોકલી આપ, તે મને મોકલી દેશે’ એવું કહેતાં વિધવાએ બે પાર્ટમાં 5.15 લાખ મોકલી આપ્યા હતા. રકમ મળી જતાં ગઠીયાએ કહ્યું કે વિમાનમાં સોનાના દાગીના લાવી શકાશે નહિ. આથી તમે દાગીના પણ મહેશને આપી દો. ગઠીયાએ તેના સાગરિતને કામરેજ ચાર રસ્તા પાસે દાગીના લેવા મોકલ્યો હતો. જ્યા ગઠીયાના સાગરિતે પહેલા તો વિધવાનો તેનો ફોટો બતાવ્યો હતો. આથી વિધવાએ વિશ્વાસ કરી તેને 13 તોલાના સોનાના દાગીના રૂ. 7 લાખની કિંમતના આપી દીધા હતા.

અઠવાડિયા પછી ઠગ આશિષે વિધવાને દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ બતાવ્યો હતો. ત્યાર પછી વિધવા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. આખરે લંડન ન લઈ જતા વિધવાએ દાગીના અને રોકડની માગણી કરી તો ગઠિયો વાયદા કરવા માંડ્યો હતો. આખરે વિધવાએ પરિવારને આ બાબતે જાણ કરી હતી. છેવટે વિધવાએ સાયબર ક્રાઇમમાં આ અંગે અરજી આપી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે. વિધવા સાથે ગઠિયો એક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો.