બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (09:29 IST)

દક્ષિણ ગુજરાતમાં મનમૂકીને મેઘમહેર, 2 કલાકમાં 6 ઇંચ વિસ્તાર, હજુ 3 દિવસ વરસાદની આગાહી

rain in valsad
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે  સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં વહેલી સવારે  4થી 6 વાગ્યાના દરમિયાન ફક્ત બે કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થતાં શહેર પાણીથી તરબળો થઇ ગયું હતું. વાપીમાં 1 ઇંચ, ઉમરગામમાં પોણો ઇંચ, કપરાડામાં સવા 1 ઇંચ વરસાદ થયો હતો. 
 
આગામી ત્રણ દિવસમાં પ્રદેશમાં વધુ વરસાદની શક્યતા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા અને નવસારી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધીમાં 159 મીમી વરસાદ નોંધાયો છે.
 
હવામાન કેન્દ્રના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં વધુ વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મોહંતીએ જણાવ્યું હતું કે, "જો કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો નથી, પરંતુ આવતીકાલે વરસાદનું પ્રમાણ વધશે. 3 અને 4 જુલાઈએ તે પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
 
એસઇઓસીએ જણાવ્યું કે સુરતના ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 143 મીમી, દેડિયાપાડા (નર્મદા) 76 મીમી, માંગરોળ (સુરત) 69 મીમી, ગણદેવી (નવસારી) 67 મીમી, સાગબારા (નર્મદા) 61 મીમી અને કામરેજ (નર્મદા) 58 મીમી વરસાદ વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં 159 મીમી અને પારડી તાલુકામાં 89 મીમી વરસાદ નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વલસાડના નીચાણવાળા વિસ્તારો અને સુરતના વરાછા, કાપોદરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2021ની સરખામણીએ જૂન 2022માં 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.