રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (16:31 IST)

School Bus Accident - મહેસાણાના ખેરાલુની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2 વિદ્યાર્થીના મૃત્યુ, 21 ઇજાગ્રસ્ત

Accident
બે દિવસ પહેલા જ જૂનાગઢના વંથલી પાસે સ્કૂલ બસનો અકસ્માત થયો હતો જેમાં 12 જેટલી વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારે હવે મહેસાણાના ખેરાલુની શ્રી સી એન વિદ્યાલય નામની સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રવાસે લઇને નીકળેલી લક્ઝરી બસનો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 2 વિદ્યાર્થીના મૃત્યુ જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
 
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાનના સુમેરપુર પાસે આજે વહેલી સવારે સ્કૂલના બાળકોથી ખીચોખીચ ભરેલી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. સ્કૂલ બસ રોડ પર સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. 
 
બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 50 લોકો હતા
આ અકસ્માત દરમિયાન બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 50 લોકો હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્કૂલમાંથી કુલ 2 બસો પ્રવાસ માટે રવાના થઇ હતી જેમાંથી એક બસને સુમેરપુર પાસે અકસ્માત નડ્યો હતો. આ પહેલા જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં વંથલી નજીક ટ્રીપલ અકસ્માતમાં બાળકોને લઇને પ્રવાસે નીકળેલી બસો સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્કૂલ બસમાં સવાર 12 જેટલી વિદ્યાર્થીનીઓને ઇજા થઈ હતી.