શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 5 જુલાઈ 2017 (13:08 IST)

મોદી ફરીવાર ગુજરાતમાં પધારશે, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે

નર્મદા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતમાં પઘારીને નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. કેવડિયા ખાતે મોદીની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ શો યોજાશે. ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે. આ પહેલા સમગ્ર રાજ્યમાં મા નર્મદા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને 10 હજારથી વધુ ગામોમાં નર્મદા રથ ફરશે. જેનું સમાપન કેવડિયા ખાતે થશે જ્યાં નરેન્દ્ર મોદીની હાજરીમાં સમારોહ યોજાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા આ આયોજન અંગે પીએમઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના સમયની અનુકૂળતા મુજબ કાર્યક્રમની તારીખ નક્કી થશે.

રાજ્ય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી માટે ત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નર્મદા યાત્રા સબ કમિટી દૈનિક ધોરણે ગામડા તથા શહેરોમાં થતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપશે. મા નર્મદા મહોત્સવ માટે 80 જેટલા ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે. એક રથ 130 ગામોમાં ફરશે. જેનું તમામ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થશે. કુલ 10 હજાર જેટલા ગામોમાં રથ ફરશે. રથમાં નર્મદા યોજનાને લગતી ખાસ ફિલ્મ ચલાવાશે. જ્યારે આ મહોત્સવ માટે તૈયાર કરાયેલું નર્મદા ગીત પણ વગાડાશે. તમામ રથની એક પ્રકારની ડિઝાઇન રહેશે જેમાં કળશ અને ધજા પણ લગાવાશે.