શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (12:30 IST)

મોદી સાહેબ ફરીવાર ગુજરાતમાં આજે રાત્રે પધારશે

જાપાનના પીએમ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભૂમીપૂજન કર્યા બાદ હવે પીએમ મોદી ફરીવાર આજે રાત્રે ગુજરાતમાં પધારી રહ્યાં છે. આજે રાત્રે તેઓ દિલ્હીથી સીધા ગાંધીનગર જશે. રવિવારે તેમના ગુજરાતમાં ત્રણથી ચાર પ્રોજેક્ટોના કાર્યક્રમો હોવાથી તેઓ ફરીવાર ગુજરાતમાં આવી રહ્યાં છે.  નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળી ગયા બાદ ગુજરાત સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવ યાત્રા યોજાઈ હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા ડેમનું લોકાર્પણ થવાનું છે. PM મોદીનો ૧૭મી સપ્ટેમ્બરે જન્મદિવસ પણ છે. તેમના માતુશ્રી તેમના ભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે.

PM મોદી ૧૭મીએ રવિવારે સવારે પોતાની માતાને મળવા જશે. જન્મ દિવસ નિમિત્તે તેઓ માતૃશ્રીને પગે લાગી આશીર્વાદ મેળવશે સવારે લગભગ ૯ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા નર્મદા ડેમ સ્થળે, કેવડીયા ખાતે જશે જ્યાં વિધિવત્ રીતે તેઓ નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. ત્યારબાદ લગભગ ૧૦-૩૦ની આસપાસ તેઓ ડભોઈ જશે જ્યાં જાહેર સભાને સંબોધન કરશે. જાહેર સભા બાદ ડભોઈથી હેલિકોપ્ટરમાં જ સીધા અમરેલી જવા રવાના થશે. બપોરનું ભોજન તેઓ હેલિકોપ્ટરમાં જ લેશે. અમરેલીમાં APMC , માર્કેટ યાર્ડનું નવીનીકરણ કરાયું હોઈ તેઓ તેનું ઉદ્ધાટન કરશે અન્ય એક ડેરીના કાર્યક્રમમાં પણ તેઓ જશે. PM મોદી અમરેલીમાં પણ જાહેર સભાને સંબોધન કરશે ત્યાર બાદ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અમદાવાદથી ખાસ વિમાન દ્વારા જ નવી દિલ્હી જવા રવાના થશે. આ અંગે ચીફ સેક્રેટરી જે. એન. સિંહ કહે છે કે, PM આવતીકાલે રાત્રે જ આવવાના છે પરંતુ તેમનું ચોક્કસ શિડયુલ આવવાનું બાકી છે. સૂત્રો જણાવે છે કે, દિલ્હી જતા પહેલા મોદી CM સહિતના નેતાઓ સાથે ચૂંટણી અંગેની ચર્ચા માટેની મિટિંગ પણ કરશે.