શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (11:52 IST)

પીએમ નરેન્દ્ર મોદીએ જી.એમ.ડી.સી ખાતે માં આદ્યશક્તિની ઉતારી આરતી

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે ગુજરાતમાં એક દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી જી.એમ.ડી.સી મેદાન ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2019માં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માં આદ્યશક્તિની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી આરાધના કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનનું ખાદીની શાલ તથા માં અંબાજીની ચુંદડીની પ્રસાદી અર્પણ કરી ભાવપૂર્વક સ્વાગત-અભિવાદન કર્યું હતું. આ અવસરે આરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ મેયર બિજલબેન પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ જોડાયા હતા. લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્વચ્છતા અભિયાનના ગરબાની પ્રસ્તુતિ કરી લાખો શ્રદ્ધાળુઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા.
ગુજરાતની એક દિવસીય મુલાકાત બાદ PM મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આપી ભાવસભર વિદાય
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીવિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રોટોકોલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાડે અને પોલિસ કમિશનર એ. કે. સિંઘ સહિત, ભારતીય લશ્કર અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાનને ભાવભરી વિદાય આપી હતી.