1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (13:13 IST)

મોદી અને નેત્યાનાહૂની સુરક્ષા માટે ઈઝરાયલી ‘સ્નાઈપર' ગોઠવાશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો ‘રોડ-શો' બુધવારે યોજાશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી પરત એરપોર્ટ સુધી 14 કિલોમીટરના રોડ-શોમાં સુરક્ષા માટે ઈઝરાયલી ‘સ્નાઈપર' ગોઠવાશે. બન્ને નેતાઓ પહેલી વખત મોટો રોડ-શો યોજવાના છે જેમાં 50,000 લોકો ઉપસ્થિત રહેવાના છે. આ કારણે એરપોર્ટથી શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ, ડફનાળાથી રિવરફ્રન્ટ, સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધીના રૂટ આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં ‘કિલ્લેબંધી' કરવામાં આવશે.

ચેતક કમાન્ડો, QRT, SRP, પોલીસ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની ૧૨ ટીમોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોદી અને નેતન્યાહૂના રોડ શોમાં બન્ને છેડે અમદાવાદના 35,000 ઉપરાંત બહારના 15,000 કુલ 50,000 લોકોને એન્ટ્રી આપવા માટે 20 ગેટ બનાવવામાં આવશે. તમામ લોકોને ડોરફ્રેમ મેટલ ડીટેક્ટરમાંથી એન્ટ્રી આપવામાં આવશે. બન્ને મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લેશે તે દરમિયાન નદીમાં સ્પેશિયલ સ્કવોડ સ્પીડ બોટમાં પેટ્રોલિંગ કરશે. જ્યારે, આશ્રમ સામે રિવરફ્રન્ટના પૂર્વ છેડે ‘સ્નાઈપર' સહિતની ખાસ ટીમો તહેનાત કરવામાં આવશે. રોડ-શોના રૂટ ઉપર અનેક જગ્યાએ ઈઝરાયલ અને ચેતક કમાન્ડો ફોર્સના ‘સ્નાઈપર' તહેનાત કરવામાં આવશે. એરપોર્ટ અને ગાંધીનગર જવા માટે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી લોકોએ રિવરફ્રન્ટના બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસે અપીલ કરી છે. પોલીસે જાહેર કર્યું છે કે, રિવરફ્રન્ટના પૂર્વ રોડનો ઉપયોગ ન કરતાં એસ.જી. હાઈવે, 132 ફૂટ રોડ, એસ.પી. રીંગ રોડ કે નારોલ-નરોડા રોડનો ઉપયોગ કરવો. કોટ વિસ્તારમાંથી એરપોર્ટ જવા મેમ્કો ચાર રસ્તા, ગેલેક્સી અંડરબ્રિજથી નોબલનગર ટી થઈ ઈન્દિરા બ્રિજ સર્કલથી તેમજ પશ્ચિમ વિસ્તારમાંથી એપોલો સર્કલ, ઈન્દિરા બ્રિજથી જવું.