રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (11:49 IST)

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાંખવાની ધમકી

ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવાનો વિવાદ ઘેરો બન્યો છે. ગત સત્રમાં સંસદમાં આ પ્રશ્નો ઉભા કરીને અપાયેલા પ્રમાણપત્રો રદ્દ કરવા માંગ કરનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેમના નિવાસસ્થાનના લેન્ડલાઇન ફોન પર ત્રણ દિવસમાં 50થી વધુ ફોન કરી તેમનો મૃત્યુઘંટ વાગી ચુકયો હોવાની ધમકીઓ મળતાં તેમણે એસપીને અરજી આપી તપાસની માંગ કરી છે.

ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ સંસદમાં ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવાનો મુદો ઉઠાવ્યો છે. સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં બાદ હવે તેઓ ભરવાડ અને રબારી સમાજના નિશાના પર આવી ગયાં છે. સાંસદે નર્મદા એસપીએ અરજી આપી ધમકી આપનારાઓને શોધી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.  તેમણે કહ્યું હતું કે મારા ઘરનો ફોન એક કાર્યકરે ઉપાડયો હતો અને તે સમયે હું કાર્યક્રમમાં હતો. ફોન કરનારે કહયું હતું કે, કયાં છે મનસુખ વસાવા. તે આવે તો તેમને કહી દેજો કે તેમના દિવસો ભરાઇ ગયાં છે. તેમનો મૃત્યુઘંટ વાગી ચુકયો છે.  વસાવાએ કહ્યું હતું કે હું કોઇ સમાજનો વિરોધી નથી. આદિવાસી સમાજને બંધારણીય હકકો મળે તે માટે લડત ચલાવી રહયો છું. મને ડરાવી ધમકાવીને લડત બંધ થાય તેવું પૂર્વ આયોજીત કાવતરૂ છે. સૌરાષ્ટ્ર તરફના ભરવાડો અને તરફથી આ કૃત્ય કરાઇ રહયું હોવાની શંકા છે.