મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (13:03 IST)

અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 300થી વધુ દર્દીઓ દાખલ, રોજના 40થી 50 કેસ સામે આવી રહ્યા છે

મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને પાંચમો વોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે હાલમાં સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવારમાં જરૂરી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીનાં સગાંને બહારથી લાવવાની ફરજ પડાય છે. ગઈકાલની સ્થિતિએ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 30 કલાકમાં વધુ 60થી 70 જેટલા દર્દીઓ દાખલ કરાયા હતા. આમ હાલમાં 300થી વધુ લોકોને સિવિલમાં સારવાર માટે એડમિટ કરાયા છે.

અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસના દર્દીઓ વધ્યા છે. એકબાજુ કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. પરિણામે, સિવિલમાં 4 વોર્ડ આ શરૂ કરવા પડ્યા છે. હાલમાં સિવિલમાં 310 જેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. એવામાં દર્દીઓની સારવાર માટે જરૂરી એવાં ઈન્જેક્શનની પણ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે. ગુરુવારે સિવિલમાં 221 દર્દી સારવાર હેઠળ હતા. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં મ્યુકરમાઇકોસિસનાં કોઇ લક્ષણ દેખાય એવા દર્દી માટે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વધુ એક અલગ વોર્ડ શરૂ કરાશે તેમજ ફંગલ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવા માટે હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે. હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર, મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યામાં ઉછાળો આવતાં એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની તકલીફ પડી રહી છે, પણ જીએમએસસીએલ તરફથી અમને પૂરાં પડાય છે, જેથી દર્દીનાં સગાં પાસેથી ઇન્જેક્શન બહારથી મગાવાતા નથી.