શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (12:45 IST)

નલિયા દુષ્કર્મ - મહિલાઓના સન્માન માટે જરૂર પડ્યે ઠોકશાહી કરીશું: હાર્દિક પટેલ

નલિયા દુષ્કર્મ કાંડને પગલે સોમવારે કચ્છ આવેલા હાર્દિક પટેલે સરકાર દ્વારા સીટની રચનાને લોલીપોપ સમાન લેખાવી આરોપીઓના નાર્કોટેસ્ટ કરાવવા તથા આ ગંભીર કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાના મુદ્દા ઉઠાવ્યા હતા. કોઠારા જઇ પીડિતાના પરિવારની મુલાકાત લઇ પોતે લડત ચલાવશે, એવો સધિયારો આપ્યો હતો, તો રાત્રે ભુજમાં પાટીદાર આંદોલન સમિતિ કચ્છ આયોજિત સભામાં 100 જેટલા લોકો અને કાર્યકરોને સંબોધ્યા અને હાર્દિકે હુંકાર કરતા કહ્યું કે મહિલાઓના સન્માન માટે લોકશાહી ઢબે ચાલશું, અને જરૂર પડ્યે ઠોકશાહી કરશું.

સંબોધનની શરૂઆતમાં જ નલિયા  દુષ્કર્મ કાંડ મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, લીડર બનવું સામાન્ય છે. આરએસએસનું પ્રશિક્ષણ લઇ ઓઇખ કાર્ડ મેળવી શકાય છે. શિક્ષણ પ્રશિક્ષણ તો બધી જગ્યાએ મળી શકે છે, અમારે નલિયાકાંડ નથી જોઇતો, મહિલાનું સન્માન જોઇએ છે. જે અબડાસા 100 સુમરીની ઇજ્જત બચાવતા અબડાની જગ્યા છે તે જગ્યાએ જ આવી હિન ઘટના બને તે ખરેખર શરમજનક ઘટના છે. ભાજપને ચાબખા મારતાં જણાવ્યું હતું કે, હું જે રાજ્યોમાં અનામત બાબતે જાગૃતિ છે તે રાજ્યોના નેતાઓને મળું છું અને આ લોકો નક્કી નથી કરી શકતા કે હું આપનો છું, કોંગ્રેસનો છું કે શિવસેનાનો છું, પણ હું આ બાબતે કહેવા માગું છું કે, હું માત્ર અહીં મને સાંભળતા પાટીદારોનો છું.
ભુજમાં યોજાયેલી પાટીદાર બેઠકમાં પાંખી હાજરી જોઇ અને જણાવ્યું હતું કે, અમને હજારો માણસની જરૂર નથી, તમારા જેવા 100 મળી જાય તો પણ ભગતસિંહની જેમ લડી લેશું. પાટીદાર આંદોલન એ કોઇ સમાજના વિરોધ માટેની લડાઇ નથી, પણ પાટીદારના યુવાનો જ્યારે 85 ટકા મેળવીને પણ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મેળવી શકતા અને લાખો રૂપિયા ડોનેશન આપી ખાનગી કોલેજમાં ભણવું પડે અને નોકરીમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેની સામેની આ લડત છે.