ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (13:26 IST)

નર્મદા ડેમ ભયજનક સપાટીએ, જાણો કયા ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામો એલર્ટ પર રખાયાં

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 105.41 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આંકડા પર નજર કરીએ તો 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં તાલાલામાં 6 ઇંચ, લોધિકા અને જોડિયા અને પડધરીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા નદી ભયજનક સપાટી ઓળંગતા ગોલ્ડન બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા છે. જેથી 70 સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. તો કચ્છ જિલ્લાના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. આજવા ડેમની સપાટી 212.85 ફૂટે પહોંચતા ફરી ઓવરફ્લો થયો છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓમાં ફરીથી પૂરનો ભય જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં 5 અને 6 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભાદર 2 ડેમ છલોછલ થતા હેઠળ આવતા 37 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજીના 4, ઉપલેટાના 15, માણાવદરના 4, કુતિયાણાના 10 અને પોરબંદરના 4 ગામોનો સમાવેશ છે.નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 40થી વધુ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે અને ગોલ્ડન બ્રિજ પાસે ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂસી આવતા 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.