શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (17:31 IST)

નર્મદા ડેમ પાણીથી ભરાયો હોવાની ઉજવણીને પગલે રાજકીય ગરમાગરમી શરુ

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમને 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી પાણી ભરવાની ઉજવણીના આરે ગુજરાત ઊભું છે ત્યારે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી રાજકીય ગરમાગરમી થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ મૂકતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા નર્મદાના મુદ્દે હંમેશા ગુજરાત વિરોધી રહી છે.ઘણાં ગામો ડૂબમાં જતા હોવાથી લોકોના જીવના ખતરાનું કારણ આગળ ધરી મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકારને સરદાર સરોવર ડેમ સંપૂર્ણ સપાટી સુધી ન ભરવા માટે દબાણ લાવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા નર્મદા મુદ્દે રોડા નાંખ્યાં કરે છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યવ્યાપી ઉજવણી અને સંપૂર્ણ ભરાયેલાં સરદાર સરોવર બંધનું અભિવાદન કરવાના કાર્યક્રમ અંગે રૂપાણીએ શુક્રવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાતે અસરગ્રસ્ત પરિવારોના વિસ્થાપન માટે નક્કી કરાયેલી સંપૂર્ણ રકમ આપી હોવાથી હવે ગુજરાતને સરદાર સરોવર બંધમાં 138 મીટરની ઊંચાઇ સુધી પાણી ભરતાં કોઇ રોકી શકે તેમ નથી.
 
તેમણે ઉમેર્યું કે પાણીની મધ્યપ્રદેશ તરફથી સતત આવક થઇ રહી છે. જો ડેમમાંથી હેઠવાસમાં પાણી મોટા પ્રમાણમાં છોડવામાં આવે તો ભરૂચ સહિત અન્ય નગરો અને ગામો પાણીમાં ગરકાવ થઇ જાય. મધ્યપ્રદેશની સરકારે જ વિસ્થાપિતોને ખસેડ્યાં નથી અને હવે ગુજરાત વિરોધી માનસિકતાને કારણે આપણને રોકે છે.
 
નર્મદા અંગે વિજય રૂપાણીના નિવેદન અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસે નર્મદાના મુદ્દે ક્યારેય રાજનીતિ નથી કરી પરંતુ 2001થી મોદીની સરકાર આવ્યા બાદ આ મુદ્દે ભાજપે જ રાજનીતિ શરૂ કરી છે. ભાજપની સરકારના મુખ્યમંત્રી નર્મદા અંગે આટલું જુઠ્ઠું બોલી શકે એ આશ્ચર્યજનક નથી. દોશીએ ઉમેર્યું કે 2001 પછી સરદાર સરોવરના ડેમનું માત્ર 10 ટકા બાંધકામ થયું, જ્યારે કોંગ્રેસની સરકારે 90 ટકા કામ કર્યું.
 
ભાજપની ગુનાહિત બેદરકારીને કારણે નર્મદાનું કેનાલ નેટવર્ક ઉભું ના થઇ શક્યું. ભાજપની નીતિ જ છે જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. આજે પણ ગુજરાતની 18 લાખ હેક્ટરને બદલે 4 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને જ નર્મદાનું પાણી મળે છે, આનો જવાબ ભાજપની સરકારે આપવો જોઈએ.ભાજપે આસારામ સાથે મળીને સિદ્ધપુર ખાતે કાર્યક્રમ કર્યો હતો, સિદ્ધપુરનું એ તળાવ અને સરસ્વતી નદી સૂકી ભટ્ટ છે. પુનર્વસન કામગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં મનમોહન સિંહે જવાબદારી લીધી હતી. નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે એના માટે જવાબદાર કોણ તેનો જવાબ રૂપાણી સરકારે આપવો જોઇએ.