શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2019 (12:32 IST)

નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી હોવાનો સરકારનો સ્વીકાર

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન સરકારે માહિતી આપતા સ્વીકાર્યુ છે કે સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ હાલ 10,796 કિલોમીટર કેનાલોનાં કામ બાકી છે. સરકાર તરફથી માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, કુલ 60,952 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 10,796 કિલોમીટરના નેટવર્કનું કામ હજુ બાકી છે. નહેરોના બાકી કામ માટે હજુ 4,354 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. સરદાર સરોવર નર્મદા યોજનામાં કેનાલોનું કામ બાકી હોવાનો સ્વીકાર કરતા સરકારે જણાવ્યું કે, અત્યાર સુધી નર્મદા યોજના પાછળ 70167.55 કરોડથી વધુનો ખર્ચ થયો છે. નીતિન પટેલે જણાવ્યું કે, "જનતાદળ અને બીજેપીની સરકાર હતી ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ કડી પાસેની નર્મદાની મેઈન કેનાલનું કામ કરવા માટે જમીન સંપાદન માટે મને સૂચના આપી હતી. મેં ગામડાઓમાં ફરીને ખેડૂતોને જમીન આપવા માટે તૈયાર કર્યા હતા, જેના કારણે 1994માં ચીમનભાઈના હસ્તે ભૂમિપૂજન થઈ શક્યું હતું."નર્મદા કેનાલના કામો 25 વર્ષથી બાકી હોવાના કોંગ્રેસના ધારાસભ્યો વીરજી ઠુમ્મરના આક્ષેપથી ગૃહમાં હોબાળો થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાબ આપતી વખતે જૂઠાણાંનો ફેલાવો વધી રહ્યાની ટકોર કરતા ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમનેસામને આવી ગયા હતા. જોકે, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દરમિયાનગીરી કરતા મામલો થાડે પડ્યો હતો. આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "સરકારે પહેલી વખત કબૂલાત કરી છે કે અંદાજિત 48319.94 પૈકી 8783.57 કિલોમીટર લંબાઇમાં કામ બાકી છે. જે કેનાલો બની છે તેમાં પણ ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ જ છે. નર્મદાથી સિંચાઈ માટે અપાતા પાણી અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 16 લાખ 51 હજાર 432 હેકટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવા સક્ષમ બન્યા છીયે. જમીન સંપાદન માટે ખાસ કચ્છના ધારાસભ્યો વાસણ આહીર અને નીમા બેનને વિનંતી કરુ છું. કોગ્રેસના ધારાસભ્યો પણ નર્મદા કેનાલના જમીન સંપાદન માટે મદદ કરે તો ઝડપથી નર્મદા કેનાલનું કામ પૂરું કરી શકીશું.વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસબ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે, 31-05-2019 સુધી બે વર્ષમા કુલ કેનાલોમાં ગાબડા પડવાના કુલ 207 બનાવો બન્યા છે. કેનાલોના ગાબડા રિપેર કરવા પાછળ રૂ. 77.82 લાખનો ખર્ચ થયો છે. ગાબડા પડવાના કારણોમાં સરકારે કહ્યુ ઉંદર અને નોળિયાના દરથી લીકેજ થતું હોવાથી કેનાલોમાં ગાબડા પડે છે. નહેર ઓવરટોપ થવાથી, જૂના અને નવા કામના જોઈન્ટ નબળા હોવાથી, નહેર ઉભરાવાથી અને સમારકામની ખામીને કારણે પણ ગાબડાં પડે છે.