બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (11:37 IST)

નર્મદાના પાણીની વહેંચણીમાં લેશમાત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજ્યને અધિકાર નથી : નીતિન પટેલ

ગાંધીનગર: નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રીબધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ એમ નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. 
 
નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દોમાં વખોડતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા તા. ૮/૨/૨૦૧૭ના રોજ નર્મદા બંધની ઊંચાઈ વધારવા અને દરવાજા બંધ કરીને પૂર્ણ કક્ષાએ પાણી ભરવા માટે જે પણ વિસ્થાપીતોને ખસેડવા પડે તેને ખસેડી દેવા ચુકાદો આપ્યો હતો. ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુકવી દીધા છે.
 
મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં જ્યારે પણ વધુ વરસાદ થયો હોત ત્યારે નર્મદા ડેમના દરવાજા બેસાડ્યાં નહોતા તે સમયે ૧૨૧ મીટરે ડેમ ઓવરફ્લો થતો હતો અને પાણી દરિયામાં વહી જતું હતું. ૧૩૮ મીટરની મંજુરી મળતાં દરવાજા બંધ કરાયા. એ વાતની સંપૂર્ણ ટેક્નીકલી તપાસ પૂર્ણ થતાં નર્મદા કંટ્રોલ ઓથોરેટી દ્વારા ૧૩૮ મીટર સુધી પાણી ભરવા ગુજરાતને મંજુરી મળી ગઈ છે. 
 
નવી દિલ્લી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ૧૫મી એપ્રિલ ૨૦૧૯ના રોજ ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ તથા કેન્દ્રના સિંચાઈ સચિવની અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, નર્મદા ડેમમાં પાણી ૧૩૧ મીટર સુધી ભરાયા બાદ જ હાઈડ્રો પાવર વીજ સ્ટેશનો ચલાવવાના રહેશે. જો તે પહેલા ચલાવીએ તો પાણી દરીયામાં વહી જતાં પાણીનો વ્યય થાય એટલે ગુજરાતના નાગરિકો અને કિસાનોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. ત્યારે બધેલ દ્વારા કરાયેલ આ નિવેદન અત્યંત દુઃખદ છે. ગુજરાતના ખેડુતો અને નાગરીકોના હિતમાં નથી એને અમે સહેજ પણ સાંખી લઈશું નહીં. 
 
નર્મદા ડેમમાં ૨૫૦ મેગોવોટના કેનાલ હેડ પાવર હાઉસ કાર્યરત છે જેમાંથી ઉત્પન્ન થતી વિજળીનું ૫૪ ટકા હિસ્સો મધ્યપ્રદેશને આપવામાં આવી રહ્યો છે. એટલે ગુજરાતે નર્મદા યોજના માટે ક્યારેય રાજનીતિ કરી નથી. છેલ્લા ૪૦ વર્ષથી ચારે ભાગીદાર રાજ્યોની સંમતીથી નિર્ણયો લેવાયા છે અને કામો પણ થયાં છે. અત્યાર સુધી કોઈ વિવાદ થયો નથી. ત્યારે આ સંજોગોમાં મધ્યપ્રદેશના મંત્રીનું નિવેદન તદ્દન ગેરવ્યાજબી છે. તેઓને જો કોઈ પ્રશ્ન હોય તો ગુજરાત સરકારનું લેખીતમાં કે ટેલીફોનીક ધ્યાન દોરવું જોઈએ જાહેરમાં આવા નિવેદનો કરવા જોઈએ નહી.