માધ્યમિક શિક્ષણ સમિતિનો નિર્ણયઃ હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહીં મળે
ગુજરાતમાં અગાઉ સરકાર દ્વારા 10 દિવસનું નવરાત્રી વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે હવેથી બદલીને વેકેશનને રદ કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી છે. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક બોર્ડના 15 જેટલા સભ્યો દ્વારા ધોરણ-12 સાયન્સ અને ધોરણ10ના પરિણામના ગુણ ચકાસણી અને આગામી શૈક્ષણિક સત્રની ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે સરકાર દ્વારા 10 દિવસનું નવરાત્રિ વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી વેકેશન ઘટાડીને માત્ર 20 દિવસનું કરી દેવામાં આવ્યું હતું. જેથી શૈક્ષણિક પ્રક્રિયામાં તકલીફ ઉભી થઈ હતી. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.