રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2023 (17:31 IST)

નવસારી: સ્કૂલમાં વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકથી મોત

નવસારી: સ્કૂલમાં વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકથી મોત - નવસારી
 
નવસારીમાં સ્કૂલની રિસેસ દરમિયાન સીડી ચઢતાં વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો, ઘટના સ્થળે જ મોત
ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધ્યું છે. આજે નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત નીપજતાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો છે. વિદ્યાર્થિની આજે શાળામાં રિસેસ દરમિયાન સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

નવસારીના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી આજે દરરોજની માફક સવારે શાળા પર આવી હતી. 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને ઢળી પડી હતી.તનિષાની તબિયત બગડી હોવાની જાણ થતાં જ શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતાં વિદ્યાથિનીનાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો છે.

વિદ્યાર્થીની તનિષા ગાંધી ધોરણ 12 સાયન્સ બાદ ડોક્ટર બનવા માગતી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોઈ, આજે શાળામાં તેનું મોત થયું છે. તનિષાની માતાનું બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ પરિવારમાં માત્ર પિતા-પુત્રી હતાં. તનિષાના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં પિતા પર વજ્રઘાત થયો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકોને હાર્ટ-એટેક આવવાના બનાવો સામે આવી રહ્યા છે. દેશમાં પણ ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાથી પત્રકાર રોહિત સરદાના સહિતના ફિટ દેખાતા યુવાઓને અચાનક હાર્ટ-એટેક ભરખી ગયો છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ગુજરાતમાં આ સ્થિતિ અતિગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. છેલ્લા પાંચેક મહિનામાં તો ક્રિકેટ રમતાં-રમતાં જ 4 યુવાએ જીવ ગુમાવ્યા છે.