શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (12:50 IST)

આજથી રાજ્યની શાળા કોલેજોનુ નવુ શૈક્ષણિક સત્ર શરૂ, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓનલાઈન શિક્ષણ અપાશે

રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર 7 જૂન એટલે કે આજથી શરૂ થશે સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યુ છે. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ રહ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.હાલમાં શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, UG સેમ 3 અને 5 તથા PG સેમ 3 માટે 7 જૂન એટલે આજથી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે.  1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી વેકેશન રહેશે.
 
હાલ ધોરણ 12નું પરિણામ બાકી હોવાને કારણે પ્રથમ સેમેસ્ટર માટેની તારીખ પછી જાહેર કરવામાં આવશે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે છતાં ધોરણ 10ના માસ પ્રમોશન મેળવેલા 8.53 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાના કોઈ ઠેકાણા નથી, જેને કારણે ધોરણ 11માં વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે. સરકારે આ માટે રચેલી તજજ્ઞોની મીટિંગ માત્ર એક જ વખત યોજાઈ છે, ત્યારે આગામી સપ્તાહમાં મળનારી આ તજજ્ઞોની બેઠકમાં પરિણામને લઈ પોલિસી જાહેર કરવામાં આવશે.આગામી 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થવાની છે. માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તો તેમને માર્કશીટ અપાશે કે પછી માત્ર પ્રમાણપત્ર જ આપવામાં આવશે? આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ SSCની જે-તે વર્ષમાં અને જે બેઠક નંબરથી પરીક્ષા આપી હોય એની નોંધ લખાય છે. આ વખતે નોંધમાં માસ પ્રમોશન લખાશે કે કેમ? ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કે માત્ર પ્રમાણપત્ર? LCમાં શું લખાશે અને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો, એને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે
 
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશલ ડિસ્ટસિંગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ કોરોના કરફ્યુ રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.