મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી.
પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગાયની પૂજા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા.નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ.
આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધી બાદ મહત્વની બેઠક મળશે જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે.
નીતિન પટેલ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.