બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 25 મે 2018 (10:15 IST)

અમદાવાદની સિવિલમાં દર્દીનું મોત થતાં ડોક્ટરો પર હુમલોઃ રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  છાશવારે ડોક્ટરો તેમજ દર્દીનાં સગાંવહાલાંઓ વચ્ચે બોલાચાલી અને મારામારીના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વધુ ત્રણ ડોક્ટરો પર મોડી રાતે દર્દીનાં સગાંવહાલાંઓએ હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લવાયેલા દર્દીનું મોત થતાં ઉશ્કેરાયેલાં સગાંવહાલાંઓએ ત્રણ ડોકટરો પર હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે બી.જે. મે‌ડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે.

ઓઢવ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરતા યુવકને ઇજા પહોંચતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલુ રહી હતી તે સમયે યુવકનાં સગાંવહાલાંઓએ ડોક્ટરોને ઝડપી સારવાર કરવા માટે કહ્યું હતું. ડોક્ટરો યુવકની સારવાર કરતા હતા ત્યારે તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાંની સાથે તેનાં સગાંવહાલાંઓ ઉશ્કેરાયાં હતાં અને ડોક્ટરોને બીભત્સ ગાળો બોલવા લાગ્યાં હતાં. દરમિયાનમાં મામલો એ હદે બીચક્યો કે ચાર લોકોએ ત્રણ ડોક્ટરો સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં બી.જે. મે‌િડકલ કોલેજમાં અભ્યાસ કરતા અને રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ મજમુદારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દર્દીનાં ચાર સગાંવહાલાં સામે ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ટ્રોમા સેન્ટરના રૂમ નંબર ૧૭માં ગઇ કાલે મોડી રાતે ચાર શખ્સોએ ત્રણ ડોક્ટરો પર હુમલો કર્યો છે. સારવાર માટે લવાયેલા યુવકને ડાબા પગે અને ડાબા હાથે ફ્રેક્ચર થઇ ગયું હતું અને તેની નસો કપાઇ ગઇ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં યુવકનાં સગાંવહાલાંએ ડો.નીરવ, ડો.સેતુજને બીભત્સ ગાળો બોલી હતી અને ડો.ધ્રુમીલને લાફો મારી દીધો હતો.
સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો ઉપર દર્દીનાં સગાંવહાલાંઓ હુમલા કરે છે, જેને રોકવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ સિક્યોરિટી ગાર્ડ તેમજ પોલીસચોકી બનાવી છે. ર૪ કલાક સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવા છતાંય ડોક્ટરો પર હુમલાના બનાવો બની રહ્યા છે. ડોક્ટરો પર થતા હુમલાની ઘટનાને રોકવા માટે આજે બી.જે. મે‌ડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો સવારથી હડતાળ પર ઊતર્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આજે વહેલી સવારથી રેસિડન્ટ ડોક્ટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. શાહીબાગ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ સવારથી હોસ્પિટલમાં બંદોબસ્તમાં હાજર હતા. આ કેસમાં પોલીસે ચાર સગાંવહાંલાંની વિરુદ્ધ ગુનો દાખલ કરીને બે સગાંની ધરપકડ કરી છે.
સિવિલ હોસ્પિટલમાં સારવારને લઇ તેમજ ડોક્ટરોની બેદરકારીને લઇ અનેક દર્દીઓનાં સગાંવહાલાંઓ તેમજ ડોક્ટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાયા છે. થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાંવહાલાંઓએ ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો, જેમાં રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા હતા. સગાંવહાલાંઓ ડોક્ટર પર હુમલો ન કરે તે માટે સિવિલના સત્તાવાળાઓએ ટ્રોમા સેન્ટરમાં પોલીસચોકી પણ બનાવી દીધી હતી. પોલીસચોકી બનાવવાના નિર્ણય બાદ ડોક્ટરોએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. આ સિવાય ટ્રોમા સેન્ટરના ગેટ પર સિક્યોરિટી ગાર્ડ પણ ગોઠવી દેવામાં આવ્યા હતા.