મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2017 (11:51 IST)

ગુજરાતમાં પાંચ વર્ષમાં 91 ખેડૂતોની આત્મહત્યા, જ્યારે બે વર્ષમાં 39 ગેંગરેપની ઘટનાઓ થઈ

રાજ્ય સરકાર એકતરફ ગુજરાત તમામ બાબતોમાં નંબર-1 હોવાના દાવા કરી રહી છે અને કોંગ્રેસ દ્વારા પાકના પોષણક્ષણ ભાવ નહીં મળતા ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા હોવાના આક્ષેપો કરે છે ત્યારે રાજ્યમાં  છેલ્લા પાંચ વર્ષમાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. આ પાંચ વર્ષમાં રાજ્યના 14 જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના બનાવ નોંધાયા હતા જ્યારે સૌથી વધુ 48 બનાવ જામનગર જિલ્લામાં બન્યા હતા.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ડો.તેજશ્રીબહેન પટેલે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિમંત્રીએ વર્ષ 2012થી ઓક્ટોબર 2016 સુધીના સમયગાળામાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા રજૂ કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે, પાક નિષ્ફળ જવાથી માત્ર 3 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ખેતીમાં દેવું વધી જવાથી 4, ખેતી સિવાય દેવું વધી જવાથી 5 અને 79 ખેડૂતોએ અન્ય કારણોસર આત્મહત્યા કરી હતી. ખેડૂતોના આપઘાતનું પ્રમાણ ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ખાતેદાર ખેડૂત અકસ્માત સહાય યોજના, ભાવ સમધારણ યોજના અને કુદરતી આપત્તિમાં સહાય આપવાની યોજના અમલી બનાવાઇ હોવાનું સરકારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આત્મહત્યાના બનાવ સૌથી વધુ વર્ષ 2012માં 36 અને વર્ષ 2013માં 33 નોંધાયા હતા.નલિયા દુષ્કર્મની ઘટના હજુ તાજી છે અને આ મામલે વિપક્ષ કોંગ્રેસે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓની સલામતીના મામલે સવાલો ઉઠાવી વિધાનસભા બજેટ સત્રમાં હોબાળો મચાવ્યો હતો ત્યારે રાજ્યમાં બે વર્ષમાં મહિલાઓ પર સામૂહિક બળાત્કારનાં 39 બનાવ બન્યા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. 
 વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં 21 અને વર્ષ 2015માં 18 સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની હતી. સૌથી વધુ 7  બનાવ સુરત જિલ્લામાં અને 5 બનાવ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. આ બનાવોમાં અત્યારસુધીમાં કુલ 165 આરોપીઓ પકડાયા હોવાનું અને 3 હજુ ફરાર હોવાની માહિતી સરકારે રજૂ કરી હતી. અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અગાઉ બળાત્કારની પીડિતાને 1 લાખની સહાય ચૂકવવાની જોગવાઇ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓના પગલે 7 જુલાઇ 2016થી  દુષ્કર્મ પીડિત મહિલાઓને સહાયની રકમ વધારીને 3 લાખની સહાય ચૂકવવા જોગવાઇ કરાઇ છે.