મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (12:52 IST)

અમદાવાદ ૪૧.૩ ડિગ્રી ગરમીમાં શેકાયું, સિઝનનો સૌથી ગરમ દિવસ

અમદાવાદમાં પડતી ગરમીના છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સાથે ઉનાળો તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દેતો હોય છે. ગત બે વર્ષ દરમિયાન ૨૫, ૨૬ માર્ચના ૪૧.૫ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. હવે આ વખતે પણ આ સમયગાળા દરમિયાન ગરમીનો પારો ૪૧.૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. અમદાવાદ આજે વર્તમાન સિઝનની સૌથી વધુ ગરમીમાં શેકાયું હતું.

છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન અમદાવાદમાં માર્ચ મહિનામાં પડેલી આ ચોથા ક્રમની સૌથી વધારે ગરમી છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાની આગાહી અનુસાર આજે અમદાવાદમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જાય તેવી પૂરી સંભાવના છે. જોકે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે સરેરાશ મહતમ તાપમાન રહેશે. માત્ર અમદાવાદ જ નહીં અન્ય ૯ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો હતો. જેમાં ૪૨ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. પાંચ વર્ષમાં પ્રથમ વખત ડીસામાં માર્ચ મહિના દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચ્યો છે. અમરેલીમાં ૪૧.૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર, ભૂજ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગરમાં પણ ૪૦ ડિગ્રીથી વધારે ગરમીનો પારો રહ્યો હતો.