શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (11:17 IST)

ગાંધીનગરમાં ફરવાના સ્થળે ખાણી-પીણી કોઇ વ્યવસ્થા નહીં,પ્રવાસીઓ પરેશાન

ગાંધીનગરના રહેવાસીઓ માટે ફરવાના સ્થળ તરીકે ખ્યાતિ પામી ચૂકેલા સ્વર્ણિમ પાર્ક અને સેક્ટર-1ના તળાવના સ્થળે ફૂડકોર્ટ તૈયાર થઇ ગયા પછી લાંબો સમય પસાર થઇ જવા છતાં આ દુકાનોની ફાળવણી કરવામાં આવી નથી. પરિણામે અહીં આવતા મુલાકાતીઓ ખાસ કરીને બાળકોના કિસ્સામાં વ્યાપક હાલાકી વેઠવાની આવે છે. 

જો કે બીજી બાજુ લવ પોઇન્ટ તરીકે ખ્યાતિ પામી ચુકેલા સરિતા ઉદ્યાન અને નગરવાસીઓ માટે શહેરમાં જ ફરવાના સ્થળ સમાન બાલોદ્યાનમાં પણ ખાણી પીણીની યોગ્ય વ્યવસ્થા નથી. સ્વર્ણિમ પાર્ક એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વપ્નીલ યોજના મહાત્મા મંદિરનો એક ભાગ છે. તેનું મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાના ભાગમાં તો ફૂડકોર્ટ માટેની 12 દુકાનો તૈયાર કરી દેવાઇ તેને બે વર્ષ પસાર થઇ ગયું છે. તેવી જ રીતે શહેરની ભાગોળે જ માર્ગ પર આવેલા સેક્ટર-1ના તળાવને પિકનીક પોઇન્ટ તરીકે જ વિકસાવવામાં આવ્યું છે. જેનું ખાત મુહૂર્ત જે તે સમયે દેશના નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીએ કર્યું હતું. આ તળાવનું કામ પણ લાબા સમયથી પૂર્ણ થઇ ગયું છે. અહીં પણ મુલાકાતીઓની સાનુકૂળતા માટે 5 દુકાન સાથેની ફૂડકોર્ટ બનાવવામાં આવી છે. સ્વર્ણિમ પાર્કમાં લગાડવામાં આવેલા મ્યુઝિકલ ફાઉન્ટેને નગરવાસી–નાં દિલ જીતી લીધા છે. દરરોજ સેંકડોની સંખ્યામાં વસાહતીઓ અહીં ઉમટી પડે છે. ત્યારે જાળવણીની કામગીરી બાદ આ ફૂવારા ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દરરોજ 2ના બદલે ઉનાળાની મોસમને ધ્યાને રાખીને 3 શો યોજવા માટેનું આયોજન પણ કરાયું છે.