અમદાવાદમાં વાલીઓની ગાંધીગીરી,શાળાના સંચાલકો સામે કર્યો અનોખો વિરોધ
વધુ ફી ઉઘરાવતી સ્કૂલો સામે વાલીઓએ આંદોલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આજે સોમવારે અમદાવાદની નિરમા સ્કૂલમાં અમદાવાદ વાલી સંગઠન દેખાવો કરી રજૂઆત કર્યા હતા. જોકે આ આંદોલનને ગાંધીગીરીનું નામ આપતાં વાલીઓ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી શિક્ષણનો વેપાર બંધ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે ત્રીમાસીક ફી ભરવા વાલીઓને જણાવ્યું છે.જ્યારથી આ બીલ પસાર થયું છે.
ત્યારથી વાલીઓ અને સંચાલકો વચ્ચે એક પ્રકારનો જંગ ચાલુ થઈ ગયો છે. સંચાલકો કોઈપણ ભોગે આ વર્ષે વધુ ફી વસુલવાની હિલચાલ કરી રહ્યાં છે. આંદોલનના ભાગરૂપે શહેરની કુલ 16 જેટલી વધુ ફી ઉઘરાવતી સ્કૂલો સામે વિવિધ કાર્યક્રમો આપી રહ્યાં છે. સોમવારે શહેરની નિરમા સ્કૂલમાં ગાંધીગીરીથી દેખાવો કરવામાં આવ્યાં જેમાં સંચાલકોને ગુલાબનું ફુલ આપી શિક્ષણનો વેપાર બંધ કરવા વિનંતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સંગઠનના સભ્યો અને વાલીઓ સ્કૂલની બહાર ઊભા રહી સંચાલકોને ગુલાબનાં ફૂલ આપ્યાં હતાં. રાજ્ય સરકારે ત્રીમાસીક ફી ભરવા અંગે સુચના આપી છે. પરંતુ તેની સામે વાલીઓએ એવી માંગ કરી છે કે, અત્યારે જે ભરવાની થતી ત્રીમાસીક ફી બિલમાં નક્કી થયેલ માળખા પ્રમાણે લેવામાં આવે જો પાછળથી ફેરફાર થશે તો વાલીઓ સરભર કરી આપશે. રાજ્યભરના ચિંતિત વાલીઓએ ‘સંદેશ’ સમક્ષ વ્યથા ઠાલવતાં ઈ-મેઈલ મોકલ્યા છે.આમાથી કેટલાક વાલીઓની વ્યથા અહી વ્યક્ત કરી છે. ફી નિર્ધારણ કાયદો બન્યો હોવા છતાં પી. પી. સવાણી ગ્રુપની સ્કૂલ રેડિઅન્ટ ઇંગ્લિશ એકડમી હજુ પણ જુના સ્ટ્રક્ચર પ્રમાણે જ ફી ઉઘરાવી રહી છે અને ત્રણ મહિનાની ફી રૂ. 15000 છે. આ ઉપરાંત યુનિફોર્મ અને પુસ્તકો પણ સ્કુલમાંથી લેવા ફરજ પાડવામાં આવી રહી છે. સીવ્યા વગરના યુનિફોર્મના રૂ. 1500 વસુલાય છે, જે બજારમાં રૂ. 500માં મળે છે. અભ્યાસક્રમ મુજબ જરૂરી ન હોય એવા ઊંચા ભાવના પુસ્તકો ખરીદવા પણ ફરજ પડાય છે. સરકારે આવું ન થાય એ માટે પણ કાયદો ઘડવો જોઇએ. હાંસોલની લિટલ વર્લ્ડ મોન્ટેસરી સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ માટે વાર્ષિક રૂ. 40,000 ની ફી ઉપરાંત વખતોવખત કાર્યક્રમ અને અન્ય પ્રવૃત્તિ માટે હજારોનું ઉઘરાણું કરવામાં આવે છે. આની સામે અમારી ફરિયાદ કોણ સાંભળશે.