10 રાજ્યોના માલધારી દેશભરમાં ગૌચર બચાવવા આંદોલન કરશે
દેશભરમાં માલધારીઓની સંખ્યા 10 ટકાથી વધુ છે. છતાં તેની સતત અવગણના થઇ રહી છે. જેની સામે સામુહિક અવાજ ઉઠાવવા રાષ્ટ્રીય માલધારી એકતા મંચ ઊભો કરવાની કવાયત હાથ ધરાઇ છે. રવિવારે બહુચરાજી નજીક ગોપનાદમાં ગુજરાત સહિત 10 રાજ્યોના માલધારી આગેવાનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મંચ દ્વારા દેશભરમાં ગૌચર અંગે અલગ રાષ્ટ્રીય નીતિ નક્કી કરવા તેમજ સરકારી નીતિઓમાં રહેલી ખામીઓ સામે લડત અપાશે. ગુજરાતમાં ગૌહત્યા, ગૌચર અને ચરિયાણ બચાવવા રાજ્યભરમાં રેલીઅો કાઢવામાં આવશે.
મારગ સંસ્થાના ઉપક્રમે યોજાયેલી 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, લેહ, લડાખ, પ.બંગાળ, ઉત્તરાખંડ, તમિલનાડુ, પંજાબ અને ગુજરાત સહિત 10 રાજ્યોના માલધારી અાગેવાનો ભાગ લઇ રહ્યા છે. માલધારી હેલ્પલાઇનનાં ભાવના દેસાઇએ જણાવ્યું કે, દેશભરમાં અલગ અલગ રાજ્યો પ્રમાણે માલધારીઓના ગૌચર સહિતના પ્રશ્નો પણ અલગ અલગ છે. સૌ સૌની રીતે લડે છે, પરંતુ કોઇ પરિણામ મળતું નથી. આથી રાષ્ટ્રીય સ્તરે માલધારી એકતા મંચ ઊભો કરી દેશભરમાં માલધારીઓ માટે ગૌચર અને ચરિયાણ અંગે રાષ્ટ્રીય નીતિ નક્કી કરવા અવાજ ઉઠાવીશું. આ બેઠક બાદ 18 અને 19મીએ દક્ષિણ એશિયાના માલધારી આગેવાનોની બેઠક યોજાશે. જેમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ સહિતના દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.