શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (12:41 IST)

દિલ્હીમાં ફિયાસ્કો થતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તેવર ઠંડા પડી ગયા

MCD ઈલેક્શન અને તે પહેલા પંજાબ અને ગોવા વિધાનસભામાં આમ આદમી પાર્ટીને મળેલી હારની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ ઘટ્યું છે અને તેમણે પોતાના પ્રયત્નો ધીમા કરી દીધા છે. સતત મળી રહેલી હારને કારણે દિલ્હીથી બહાર પાર્ટીનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહેલા કાર્યકર્તાઓ નિરાશ છે.દિલ્હી નગર નિગમમાં મળેલી હાર પછી ગુજરાતમાં આ જ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે આપના કાર્યકર્તાઓનો ઉત્સાહ ફીકો પડી ગયો છે.

ગુજરાતમાં પાર્ટીની ગતિવિધીઓ પર નજર રાખનારા લોકોનું કહેવું છે કે, માર્ચમાં પાર્ટીની એક્ટિવિટી આગળ વધારવા માટે ટીમ બનાવવામાં આવી હતી. પાર્ટીના સ્ટેટ યુનિટનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને તૈયાર કરવાનો અને પાર્ટી માટે નિશ્ચિત વોટબેન્ક તૈયાર કરવાનો હતો. હવે ટીમે પણ પોતાની એક્ટિવિટી પર અંકુશ મુક્યો છે.પાર્ટી સંપુર્ણ આક્રમકતા સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરી રહી હતી. ગામડાઓ અને શહેરો સુધી પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓ રાજ્યમાં પહેલીવાર ચુંટણી લડી લહેલી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ લોકોમાં બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સતત મળી રહેલી હારને કારણે કાર્યકર્તાઓનું મનોબળ ઘટ્યું છે.પંજાબ અને ગોવામાં મળેલી હાર પછી પાર્ટી પોતાની રણનીતિ પર પુન:વિચાર કરી રહી છે. પહેલા ગુજરાતની 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની પાર્ટીએ જાહેરાત કરી હતી. હવે પાર્ટીએ આ નિર્ણય પર ફરીથી વિચાર કરવો પડશે કારણકે જો ગુજરાતમાં પણ હારનો સામનો કરવો પડશે તો પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.